લંડનઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર બોબ વિલીસનું ૭૦ વર્ષની વયે અવસાન થયું છે. વિલીસ છેલ્લા કેટલાય સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા તેવી જાહેરાત તેમના પરિવારજનોએ કરી છે. તેમના અવસાન સાથે ઈંગ્લિશ ક્રિકેટના એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે.
બોબ વિલીસે ૧૯૭૧થી ૧૯૮૪ દરમિયાન ઈંગ્લેન્ડ તરફથી ૯૦ ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો અને તેમણે ૩૨૫ વિકેટ પણ ઝડપી હતી. તેઓ ઈંગ્લેન્ડ તરફથી સર્વાધિક વિકેટ ઝડપવાના ઓલટાઈમ રેકોર્ડમાં ચોથા ક્રમે હતા. ૧૯૮૧માં ઓસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ટેસ્ટમાં ઈંગ્લેન્ડને વિજય અપાવવામાં તેમણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે ૪૩ રનમાં ૮ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને એક તબક્કે અશક્ય લાગતો વિજય અપાવ્યો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેમણે બીબીસી અને સ્કાય સ્પોર્ટસ માટે એક્સપર્ટ કોમેન્ટ્રેટરની ભૂમિકા પણ અસરકારક રીતે ભજવી હતી.
તેમના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આપણા પ્યારા બોબ, કે જેઓ પ્રેમાળ પતિ, પિતા, ભાઈ અને દાદા હતા. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સમાચાર અમારા માટે વજ્રાઘાત સમાન છે. તેઓએ તેમની નજીકના તમામ પર ઘણી મોટી અસર છોડી હતી અને તેમની ક્યારેય ન પૂરાય તેવી ખોટ અમને પડી છે.
વિલીસ પરિવારે ક્રિકેટ ચાહકોને અપીલ કરી હતી કે તેઓ બોબને પુષ્પો અર્પણ કરવાને બદલે પ્રોસ્ટેટ કેન્સર-યુકેને દાન આપશે તો અમને વધુ ગમશે. ઉલ્લેખનીય છે કે બોબ વિલીસ સરે અને વોર્વિકશાયર તરફથી પણ રમ્યા હતા.