ઈંગ્લેન્ડ મેચ હાર્યું, પણ હસીબે દિલ જીત્યા

Wednesday 30th November 2016 05:59 EST
 
 
મોહાલીઃ ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ હતી. માથે પરાજયનો ખતરો મંડરાઇ રહ્યો હતો. હારથી બચવાની શક્યતા બહુ ઓછી હતી. પરંતુ ભારત સામેની આ ટેસ્ટ શ્રેણીમાં જ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર ૧૯ વર્ષના હસીબ હમીદે હાર માની નહોતી.
દક્ષિણ ગુજરાતનો ભરૂચના મૂળ વતની અને હાલમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાંથી રમી રહેલો બોલ્ટનનો આ યુવા ક્રિકેટર આંગળીમાં ઈજાના કારણે ઓપનીંગ કરવા મેદાનમાં ઉતરી શક્યો નહોતો. જોકે ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેનોએ ભારતીય બોલર્સ સામે શરણાગતિ સ્વીકારી લીધી ત્યારે તે મેદાન પર પહોંચી ગયો.
આ સમયે ઈંગ્લેન્ડની ૧૦૭ રનમાં છ વિકેટ પડી ગઇ હતી. પરંતુ પીચ પર પહોંચેલા હસીબે તીન મહત્ત્વની ભાગીદારી નોંધાવીને એક બેટ્સમેન તરીકેની મહત્ત્વપૂર્ણ ફરજ બજાવી.
તેણે જો રુટ સાથે સાતમી વિકેટ માટે ૪૫ રનની ભાગીદારી કરી. આ પછી ક્રિસ વોક્સ સાથે આઠમી વિકેટ માટે ૪૩ રન કર્યા. અને ૧૦મી વિકેટ માટે જેમ્સ એન્ડરસન સાથે ૪૧ રનની ભાગીદારી કરી હતી.
ભારતીય બોલર્સ પરેશાન હતા કેમ કે તેમને ધારણા હતી કે ૨૦૭ રનમાં ઈંગ્લેન્ડનો દાવ સમેટાઇ જશે, પણ આમ ન થયું. છેલ્લી વિકેટ માટે ભારતીય બોલર્સ ઝઝૂમી રહ્યા હતા. આ સમયે એન્ડરસન આઉટ થઇ ગયો અને હસીબનો ચહેરો વિલાઇ ગયો. હસીબે અણનમ ૫૯ રન કર્યા. ભારતે મેચ જીતી લીધી, પરંતુ હસીબે રમતના મેદાનમાં ઇજાગ્રસ્ત આંગળી છતાં મેદાનમાં ઉતરીને એક લડવૈયા જેવો અભિગમ દર્શાવીને દર્શકોના દિલ જીતી લીધા.
હસીબ મેચ પૂરી થયા બાદ સારવાર માટે બ્રિટન પરત આવવા રવાના થયો હતો.
રાજકોટ ટેસ્ટથી પોતાની ટેસ્ટ કારકિર્દી શરૂ કરનાર હસીબે પહેલી ટેસ્ટમાં ૩૧ રન અને ૮૨ રન કર્યા હતા. જ્યારે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તેણે ૧૩ અને ૨૫ રન કર્યા હતા. મોહાલી ટેસ્ટમાં તેણે ૯ અને ૫૯ રન
કર્યા છે.
આમ તેણે ત્રણ ટેસ્ટમાં ૪૩.૮૦ રનની એવરેજથી ૨૧૯ રન કર્યા છે. માત્ર ૧૯ વર્ષની વયે ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમનાર હસીબને ક્રિકેટચાહકો ‘બેબી બોયકોટ’ના હુલામણા નામે ઓળખે છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter