નવી દિલ્હી, લંડનઃ ભારતના દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ડોર (IGI) સ્ટેડિયમ ખાતે જાન્યુઆરી 13–19, 2025 દરમિયાન પ્રથમ ખો ખો વર્લ્ડ કપની શરૂઆત કરી દેવાઈ છે જેમાં ઈંગ્લેન્ડના પુરુષ અને મહિલા ટીમના 15-15 કુશળ ખેલાડીઓ સારો દેખાવ કરવા સજ્જ છે. ઈંગ્લેન્ડની ટીમોના ખેલાડીઓની પસંદગી નવેમ્બર 204માં આયોજિત ટ્રાયલ્સ થકી કરવામાં આવી છે. આ ખેલાડીઓએ યુકેની ક્લબ્સ, પ્રાદેશિક અને નેશનલ ટુર્નામેન્ટ્સમાં ભાગ લઈને પોતાના કૌશલ્યને ઓપ આપ્યો છે અને હવે આ ઝડપી ગતિ ધરાવતી, દિલધડક રમતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. ઈંગ્લેન્ડની બંને ખો ખો ટીમો માટે રસપ્રદ બાબત એ કહી શખકાય કે વર્લ્ડ કપમાં તેઓ સૌથી યુવાન ટીમ છે જેના ખેલાડીઓની સરેરાશ વય માત્ર 17 વર્ષની છે.
રસપ્રદ બાબત એ છે કે ખો ખો રમતના ઈંગ્લેન્ડના કોચ અને પુરુષોની ટીમના મેનેજર કલ્પેન પટેલ મૂળ ભારતવંશી છે અને તેમના મૂળિયાં ગુજરાતના નડિયાદના પાલોલ ગામ સાથે જોડાયેલાં છે. સત્તાવીશ ગામ પાટીદાર સમાજના પૂર્વ જનરલ સેક્રેટરી કલ્પેનભાઈએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વિશેષ મુલાકાતમાં ખોખો વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડની બંને ટીમની તૈયારી, તેમની ભારતયાત્રા અને મહત્ત્વાકાંક્ષા વિશે વાત કરી હતી.
કોચ કલ્પેન જે કોમ્યુનિટી ક્લબમાં કોચિંગ આપતા હતા ત્યાં ખો ખોની રમતને શરૂ કરવામાં ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો કારણકે યુકેમાં બાસ્કેટબોલ અને ફૂટબોલ રમતોની બોલબાલા છે અને તેમના કોચીસને ખૂબ મહત્ત્વ અપાય છે. આ સંજોગોમાં ખો ખો જેવી તદ્દન નવી રમતને આગળ વધારવાનું ઘણું મુશ્કેલ ગણાય તે સ્વાભાવિક છે. રાષ્ટ્રીય સ્તરે ઈંગ્લેન્ડમાં ખો ખો માટે કોઈ જાગરૂકતા નથી અને સરકાર તરફથી પણ કોઈ ભંડોળ કે સપોર્ટ અપાતા નથી. જો ઈંગ્લેન્ડની ટીમ સારો દેખાવ કરે અને ટુર્નામેન્ટમાં આગળ વધે તો ખો ખો માટે નવી આશા ઉભી થઈ શકે તેમ છે.
ઈંગ્લેન્ડના મોટા ભાગના ખેલાડીઓ ગત આઠ વર્ષથી નેશનલ ટુર્નામેન્ટ્સ રમી રહ્યા છે અને સપ્ટેમબર 2024માં પણ નેશનલ ટુર્નામેન્ટ હતી જેમાં કલ્પેનભાઈ પણ એક સિલેક્ટર હતા. આ ટુર્નામેન્ટ પછી દર સપ્તાહે ટ્રેનિંગ સેશન્સ ચલાવાયા હતા. કોચ અને સીનિયર ટીમ મેમ્બર્સ ખેલાડીઓની નૈતિક હિંમતને બિરદાવી બળ પુરું પાડી રહ્યા છે. એક ટીમ તરીકે તેઓ મેદાન પર શ્રેષ્ઠ દેખાવ કરવા તત્પર છે. ઈંગ્લેન્ડની પુરુષ ટીમ ઓસ્ટ્રેલિયા, કેન્યા, મલેશિયા અને જર્મનીના ગ્રૂપમાં રમશે જ્યારે મહિલા ટીમ યુગાન્ડા, નેધરલેન્ડ્સ, કેન્યા અને ઓસ્ટ્રેલિયાના ગ્રૂપમાં રમનાર છે. ગ્રૂપ તબક્કાના વિજેતાઓ ફાઈનલ સ્ટેજીસમાં પહોંચશે.
ઈંગ્લેન્ડમાં સિત્તેરના દાયકાથી વિવિધ ભારતીય કોમ્યુનિટી ગ્રૂપ્સ અને સંસ્થાઓ દ્વારા ખો ખોની રમત નાના પાયા પર રમાતી આવી છે. બ્રિજ હલ્દાનિઆએ 2013માં ખો ખો ફેડરેશન ઓફ ઈંગ્લેન્ડની સ્થાપના કરી હતી. ફેડરેશને યુકેમાં ખો ખો રમતને લોકપ્રિય બનાવવા અથાગ પ્રયાસો કર્યા છે.