મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાએ યજમાન ઇંગ્લેન્ડને હરાવીને એશિઝ સીરિઝ પોતાના નામે કરી છે. ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઇન્ડ પર રમાયેલી ત્રીજી ટેસ્ટ ઓસ્ટ્રિલિયાએ ઇનિંગ્સ અને ૧૪ રનથી જીતી હતી. અગાઉની બંને મેચ ઓસ્ટ્રેલિયા સરળતાથી જીતી ચૂક્યું હોવાથી આ વિજય સાથે સીરિઝમાં અજેય લીડ મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ ૯ વિકેટથી બીજી મેચ ૨૭૫ રનના વિશાળ અંતરથી જીતી હતી. ઇંગ્લેન્ડને ૧૩ ટેસ્ટથી ઓસ્ટ્રેલિયામાં જીત મળી નથી. ઇંગ્લેન્ડ ૨૦૨૧માં નવમી ટેસ્ટ હાર્યું છે. ટીમે એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ હારવાના મામલે બાંગ્લાદેશની બરાબરી કરી છે.
ત્રીજી ટેસ્ટ મેચની ત્રીજા દિવસે ઇગ્લેન્ડે ચાર વિકેટે ૩૧ રનથી આગળ રમવાનું શરૂ કર્યું. ટીમને પ્રથમ ઝાટકો સ્ટોક્સ (૧૧)ના આઉટ થવા લાગ્યો. તેને સ્ટાર્કે બોલ્ડ કર્યો, જે પછી વિકેટો પડતી રહી. સૌથી મોટી ઇનિંગ્સ ફરી વાર રૂટના નામે રહી. ૨૮ રન કર્યા બાદ તે બોલેન્ડનો શિકાર બન્યો. વૂડને આઉટ કરીને બોલેન્ડે પાંચ વિકેટની સિદ્વિ મેળવી હતી. તેણે આમ કરવા ૧૯ બોલ ફેંક્યા હતા. આ સાથે જ તેણે સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટની સિદ્વિ મેળવી હતી. આમ ઇંગ્લેન્ડ ૨૮મી ઓવરમાં ૬૮ રને ઓલઆઉટ થયું.
૧૯૦૪ બાદ ઇંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયામાં આ સૌથી ઓછો સ્કોર છે. બોલેન્ડે કુલ ૬ વિકેટ ઝડપી હતી. આમ ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહેલ બોલેન્ડ પ્લેયર
ઓફ ધ મેચ રહ્યો. ડેબ્યૂમાં આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ઓસ્ટ્રેલિયન છે.
ઈંગ્લેન્ડના શરમજનક વિક્રમ
આ વર્ષે ૫૪ ઇંગ્લિશ બેટર શૂન્યમાં આઉટ થયા છે. આમ ઇંગ્લેન્ડે આ મામલે ૧૯૯૮માં નોંધાયેલા પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. જો એક્સ્ટ્રા રનની વાત કરીએ તો ઈંગ્લેન્ડ ટીમને ૪૧૨ રન એકસ્ટ્રા તરીકે મળ્યા છે. માત્ર જો રૂટ (૧૭૦૮ રન) અને રોરી બોર્ન્સ (૫૩૦)એ ટીમ માટે બેટ વડે આના કરતા વધુ રન કર્યા છે. એટલું જ નહીં, ઇંગ્લિશ ટીમ ૩૯મી વખત ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ રનના સ્કોરની અંદર ઓલઆઉટ થઇ છે. ઓસ્ટ્રેલિયા ૩૮ વખત ૧૦૦થી ઓછા રનને સ્કોરે ઓલઆઉટ થયું છે.