યુજીન: ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર અને ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં દેશને આ બીજો મેડલ અપાવ્યો છે. આ ચેમ્પિયનશિપ એમેરિકાના યુજીનમાં રમાઈ રહી છે. ફાઈનલ મુકાબલામાં નીરજના ત્રણ થ્રો ફાઉલ રહ્યા હતા, જેના કારણે નીરજ ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. મેડલ જીત્યા બાદ નીરજે કહ્યું હતું કે ચોથા રાઉન્ડમાં તેને ઈજા થઈ હતી અને તેના કારણે તે પાટો બાંધીને મેદાનમાં ઉતર્યો હતો અને તેના છેલ્લા બે થ્રો યોગ્ય રીતે નહોતા થયા અને તેણે પોતાના ત્રણ થ્રોના જોરે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં નીરજે પોતાના ત્રણ સફળ થ્રોમાં 82.39 મીટર, 86.37 અને 88.13 મીટર સુધી ભાલો ફેંક્યો હતો.
દરેક મેચમાં સ્થિતિ અલગ
નીરજ ચોપરાએ કહ્યું હતું કે દરેક મેચમાં સ્થિતિ અલગ હોય છે. આ વખતે હવા પણ વધારે હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માઇન્ડ રિલેક્સ હોય છે પણ આ વખતે હવા મારા માટે પડકાર હતો. હું ધીમે ધીમે મેચને ખેંચી રહ્યો હતો. દરેક થ્રો ઇમ્પ્રૂવ થઈ રહ્યો હતો. ચોથા થ્રોમાં મને ગ્રોઈનમાં થોડો દુખાવો થયો હતો અને તે કારણે હું અંતિમ બે થ્રોમાં પૂરો એફર્ટ લગાવી શક્યો નહોતો. જોકે આ મુશ્કેલ સ્થિતિની દષ્ટિએ રિઝલ્ટ ખૂબ જ સારુ રહ્યું હતું. ચોથા થ્રો બાદ નીરજ પાટો બાંધી રમ્યો હતો. તેણે કહ્યું હતં કે હાલ તો થાઈ ઠીક લાગી રહી છે. ફિઝિયો અને મેડિકલ ટીમ તપાસ કરશે પછી ઇજા વિશે જાણકારી મળશે.
90 મીટરનો થ્રો પણ જલદી આવશે
90 મીટરનો થ્રો કરવા અને ટોક્યો ઓલિમ્પિક બાદ સતત સારી રમત વિશે નીરજે કહ્યું હતું કે, ઓલિમ્પિક બાદ અને વિલંબથી ટ્રેનિંગ શરૂ કરી હતી. તેવામાં અને ખૂબ ઓછો સમય મળ્યો હતો. જોકે જેટલી તાલીમ થઈ, તે સારી થઈ હતી. થ્રોઈંગ સેશનમાં, થ્રો, ફિટનેસ પર ખૂબ કામ કર્યું હતું. 90 મીટર જેટલો થ્રો થઈ શકી રહ્યો નથી પણ તમામ થ્રો તેની આસપાસ જ છે. 90 મીટરનો થ્રો પણ જલદી જ આવશે.