નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના રાજકીય નેતા ઈમરાન ખાનને પાંચ 'અનૌરસ' સંતાનો છે અને તેમાં કેટલાક ભારતીય પણ છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ઈમરાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાને કર્યો છે.
ઈમરાનથી અલગ થઈ ચૂકેલી તેની બીજી પત્ની રેહમના નવા પુસ્તક 'રેહમ ખાન'માં આ સનસનાટીભર્યો ઘટસ્ફોટ કરતાં તેણે લખ્યું છે કે, ઈમરાને ખુદ મને આ વાત જણાવી હતી અને ઈમરાનના ભારતમાં ઉછરી રહેલા ‘અનૌરસ’ સંતાનોમાં સૌથી મોટું સંતાન હાલ ૩૪ વર્ષનું થયું હશે. રેહમ ખાનના નવા પુસ્તકના કેટલાક અંશોને પગલે ખળભળાટ મચી ગયો છે. તેનું પુસ્તક રિલિઝ થાય તે પહેલા જ મીડિયાથી માંડીને ક્રિકેટ જગતમાં અને ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યું છે. વધુમાં ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ અકરમથી લઈને અન્ય ત્રણ વ્યક્તિઓએ તો રેહમને આ મામલે કાયદેસરની નોટિસ પણ ફટકારી છે.
રેહમ ખાને એવો પણ ખુલાસો કર્યો છે કે, નવા પુસ્તકમાં કરેલા કેટલાક દાવાને પગલે તેને મોતની ધમકી પણ મળવા માંડી છે. રેહમે ઈમરાનના ‘અનૌરસ’ સંતાનો અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં કહ્યું છે કે, તેના પાંચ ‘અનૌરસ’ સંતાનોમાં કેટલાક ભારતીય પણ છે. ઈમરાન સાથે ૨૦૧૫માં રેહમના લગ્ન થયા હતા. જે પછી બંને વચ્ચે ઈમરાનની અમેરિકી મૂળની ‘ગેરકાયદે’ પુત્રી ટીરીની વ્હાઈટ અંગે ચર્ચા છેડાઈ હતી અને ઈમરાને તેની જિંદગીનો મહત્વનો રાઝ ખુલ્લો મુક્યો હતો. ઈમરાન ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ રાજકારણી બની ગયો છે અને હાલ તે તહેરીકે ઈન્સાફ પાર્ટીનો સર્વેસર્વા છે.