લંડનઃ સ્પ્રિન્ટર ઉસૈન બોલ્ટે ૨૦૦૮ની બૈજિંગ ઓલિમ્પિકસમાં ૪ બાય ૧૦૦ મીટર રિલેનો ગોલ્ડ મેડલ ગુમાવવો પડે તેવી શક્યતા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટીમનો તેનો સાથી નેસ્ટા કાર્ટર એવા ૩૨ ખેલાડીઓમાં સામેલ છે, જે પ્રતિબંધિત દવાઓના પુનઃ પરીક્ષણમાં ફેઇલ થયા હોય. જમૈકા ઓલિમ્પિક એસોસિએશને પોતાના રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કર્યો છે. અહેવાલ અનુસાર, બૈજિંગ રમતોમાં નેસ્ટા કાર્ટરના એ નમૂનાનું પુનઃ પરીક્ષણ કરાતા તેમાં પ્રતિબંધિત પદાર્થ મિથાઇલ એક્સાનિયામિન મળી આવ્યું હતું. અહેવાલોમાં જણાવાયું છે કે, બીજા નમૂનાના પુનઃ પરીક્ષણના પરિણામોની વિગતો હજુ સુધી જાણવા મળી નથી. જમૈકાની ટીમ તરફથી કાર્ટરે પ્રથમ તબક્કાની દોડ કરી હતી. ત્યારબાદ અંતિમ તબક્કાની દોડમાં બોલ્ટે જીત અપાવી હતી. આ ટીમમાં માઇકલ ફેટર તથા અસાફા પોવેલ પણ સામેલ હતા.