બ્રિસબેનઃ સ્ટાર ઓપનર ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટે ઓસ્ટ્રેલિયાને એશિઝ ક્રિકેટ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે ધમાકેદાર વિજય અપાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ સોમવારે ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ૫૦ ઓવરમાં વિના વિકેટે ૧૭૦ રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સ્ટિવ સ્મિથને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પૂરા ૧૦ વર્ષ બાદ ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે વિજય મેળવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં ઇંગ્લેન્ડને છેલ્લે ૨૦૦૭માં ૧૦ વિકેટ હરાવ્યું હતું. ઓવરઓલ ઓસ્ટ્રેલિયાએ સાતમી વખત ઇંગ્લેન્ડ સામે ૧૦ વિકેટે વિજય હાંસલ કર્યો છે. ગાબામાં ઓસ્ટ્રેલિયાએ ૧૯૯૦ બાદ ૧૦ વિકેટે વિજય મેળવ્યો છે. તે સમયે પણ ઓસ્ટ્રેલિયાએ ૧૫૭ રનના ટાર્ગેટને વિના વિકેટે હાંસલ કર્યો હતો.
બેનક્રોફ્ટની અડધી સદી
ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસે બીજા દાવને ૧૧૨ના સ્કોરથી આગળ વધારવાનું શરૂ કર્યું હતું. વોર્નરે ૧૧૯ બોલમાં ૧૦ બાઉન્ડ્રી વડે ૮૭ તથા ડેબ્યૂ મેચ રમી રહેલા બેનક્રોફ્ટે ૧૮૨ બોલમાં ૧૦ બાઉન્ડ્રી અને એક સિક્સર વડે ૮૨ રનની ઇનિંગ્સ રમી હતી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ ૧૯૮૬થી ગાબા ખાતે વિજય હાંસલ કરી શક્યું નથી.
ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૩૦૨ રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૩૨૮ રન કરીને ૨૬ રનની નજીવી સરસાઇ મેળવી હતી. આ પછી ઇંગ્લેન્ડનો બીજો દાવ ૧૯૫ રનમાં સમેટાયો હતો. વિજયી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કર્યું હતું.