લંડનઃ વિશ્વના બીજા ક્રમાંકિત અને વર્તમાન ચેમ્પિયન એન્ડી મરેએ પ્રથમ સેટ હાર્યા બાદ પણ શાનદાર પુનરાગમન કરીને વિક્રમજનક પાંચમી વખત એગોન ક્લાસિક એટીપી ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ કબ્જે કર્યું હતું. તેણે સંઘર્ષપૂર્ણ ફાઇનલમાં કેનેડાના મિલોસ રાઓનિકને હરાવ્યો હતો.
૨૦ જૂને રમાયેલી બે કલાક ૧૩ મિનિટની ફાઇનલમાં ૨૯ વર્ષીય મરેએ મિલોસ રાઓનિકને ૬-૭, ૬-૪, ૬-૩થી હરાવ્યો હતો. મરેએ અગાઉ ૨૦૧૨ની ટૂર્નામેન્ટમાં મારિન સિલિચને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું. આ વિજય સાથે મરે ૨૦૦૫માં રોડ્ડિક બાદ પોતાના ટાઇટલનું રક્ષણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. મરેએ વિજય બાદ એગોન ક્લાસિકને ચાર-ચાર વખત જીતનાર અમેરિકાના જ્હોન મેકેનરો, જર્મનીના બોરિસ બેકર, અમેરિકાના એન્ડી રોડ્ડિક તથા ઓસ્ટ્રેલિયાના લેટન હેવિટ્ટને પાછળ રાખી દીધા છે.