તિરુવનંતપુરમ્ઃ કેરળના રમતગમત પ્રધાન ઈ. પી. જયરાજન્ સાથે ચાલી રહેલા વિવાદ બાદ ભારતની પૂર્વ એથ્લીટ અંજૂ બોબી જ્યોર્જે કેરળ સ્પોર્ટસ કાઉન્સિલના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું છે. અંજુની સાથે સ્પોર્ટસ કાઉન્સિલના અન્ય ૧૧ સભ્યોએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે. અંજુએ પોતાનું રાજીનામું આપવાની સાથે કાઉન્સિલની કાર્યપદ્ધતિની તપાસ કરવાની પણ માગ કરી છે.
અંજુએ કહ્યું હતું કે, તમામ લોકો જાણે છે કે, છેલ્લા કેટલાક મહિનાથી સ્પોર્ટસ કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે. છ મહિના પહેલાં મને સ્પોર્ટસ કાઉન્સિલની અધ્યક્ષ બનાવાઈ હતી. કાઉન્સિલ કોઈ પાર્ટી અથવા ધર્મ માટે કામ કરતી નથી. તેમણે કહ્યું કે, સરકારે મને આ જવાબદારી લેવાનો આગ્રહ કર્યો હતો. અન્ય જવાબદારીઓ હોવા છતાં મેં આ જવાબદારી સ્વીકારી હતી. જોકે મને થોડા સમયમાં જ સમજાઇ ગયું હતું કે કાઉન્સિલની કાર્યપદ્ધતિમાં ઘણી ખામીઓ છે.
આ ઉપરાંત અંજુએ જયરાજને પોતાના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને અપમાનિત કર્યાનો આરોપ પણ લગાવ્યો હતો. મારા પર લગાવેલા આ આરોપ બાદ મને અધ્યક્ષપદે ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. આથી હું સ્પોર્ટસ કાઉન્સિલના સભ્યો સાથે રાજીનામું આપું છું. જોકે હું રમતગમત ક્ષેત્રે ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે લડતી રહીશ.