રોમઃ બ્રિટીશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ જીતીને તેના ૨૯મા જન્મદિનની યાદગાર ઉજવણી કરી છે. તેણે ફાઇનલમાં સર્બિયાના વર્લ્ડ નંબર વન નોવાન જોકોવિચને ૬-૩, ૬-૩થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ વિજય સાથે જ મરેએ ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન અને વીતેલા સપ્તાહે મેડ્રિડ ઓપનની ફાઇનલમાં જોકોવિચના હાથે મળેલા પરાજયનો બદલો લઈ લીધો છે. મરેએ આ વિજયની સાથે તેના ૨૯મા જન્મદિનને યાદગાર બનાવ્યો હતો. ટૂર્નામેન્ટનું વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ યુએસની સેરેના વિલિયમ્સે જીત્યું છે. જ્યારે વિમેન્સ ડબલ્સ ટાઇટલ સાનિયા મિરઝા - માર્ટિના હિંગીસની ભારત - સ્વિત્ઝર્લેન્ડની જોડીએ મેળવ્યું છે.
રોમમાં રેડ ક્લે કોર્ટ પર રવિવારે રમાયેલી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં એન્ડી મરેએ શરૂઆતથી જ શાનદાર દેખાવ કરતાં જોકોવિચ પર પ્રભુત્વ જમાવી દીધું હતું. જોકોવિચે બીજા સેટમાં મેચ પર પકડ જમાવવા પ્રયાસ કર્યો હતો, પણ તે મરેની આક્રમક રમત સામે ટકી શક્યો ન હતો. નોંધપાત્ર છે કે, એન્ડી મરેનો જોકોવિચ સામે સળંગ ચાર પરાજય બાદનો પ્રથમ વિજય છે. તેણે છેલ્લે જોકોવિચને ગયા વર્ષે ઓગસ્ટમાં મોન્ટ્રીયલ માસ્ટર્સની ફાઇનલમાં પરાજય આપ્યો હતો.
મરેએ તેના જન્મદિવસે આ વિજય મેળવવાની સાથે જ જોકોવિચ સામેના પરાજયના સિલસિલાનો અંત આણતા ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની દાવેદારી નોંધાવી છે. નોંધપાત્ર છે કે, મરેએ પહેલી વખત યોકોવિચ સામે ક્લે કોર્ટ પર જીત મેળવી હતી. અગાઉ રમાયેલી સેમિ ફાઈનલમાં જોકોવિચે જાપાનના નિશિકોરી સામે ૨-૬, ૬-૪, ૭-૫ (૭-૫)થી જીત મેળવી હતી. એન્ડી મરેએ ફ્રાન્સના ખેલાડી લુકાસ પૌલીન સામે ૬-૨, ૬-૧થી જીત મેળવી હતી.
સાનિયા - માર્ટિનાએ ડબલ્સ ટાઈટલ જીત્યું
ભારતની સાનિયા મિર્ઝા અને સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસે વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં ૬-૧, ૬-૭ (૭-૫), ૧૦-૩થી રશિયાની માકારોવા અને વેસ્નીનાને હરાવીને ઈટાલિયન ઓપન વિમેન્સ ડબલ્સનું ટાઈટલ જીત્યું છે. સાનિયા-માર્ટિનાની જોડીનું ફેબ્રુઆરી પછીનું પહેલું ટાઈટલ છે. આ સાથે તેમણે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટ જીતવાની દાવેદારી વધુ મજબુત બનાવી દીધી છે. ક્લે કોર્ટ સિઝનમાં સાનિયા અને માર્ટિનાની જોડીએ સળંગ ત્રીજા સપ્તાહે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેઓ અગાઉ સ્ટુટગાર્ટમાં જર્મન ઓપન અને મેડ્રિડ ઓપનની ફાઈનલમાં કેરોલિના ગાર્સિયા અને ક્રિસ્ટીના મેલાડેનોવિચ સામે હારી ગયા હતા. જોકે રોમમાં તેમણે રમતકૌશલ્ય દાખવીને ટાઈટલ જીતી લીધું હતું. સાનિયા અને માર્ટિનાની જોડીનું આ ૧૪મું ટાઈટલ છે. જ્યારે ચાલુ વર્ષે આ જોડીએ આ પાંચમું ટાઈટલ જીત્યું છે.
અમેરિકન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ નવ મહિનામાં પહેલી વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. તેણે ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં અમેરિકાની જ મેડીસન કીને ૭-૬ (૭-૫), ૬-૩થી પરાજય આપ્યો હતો.