લંડનઃ સ્ટાર ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ચોથી વખત ક્વિન્સ ક્લબનું ટાઇટલ જીતીને દિગ્ગજ ટેનિસ ખેલાડીઓ જ્હોન મેકેનરો, બોરિસ બેકર, એન્ડી રોડ્ડિક અને લેટન હેવિટ્ટની હરોળમાં સ્થાન મેળવ્યું છે. મરેએ સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને એકતરફી ફાઇનલમાં ૬-૩, ૬-૪થી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વર્ષમાં ત્રીજું એટીપી ટાઇટલ જીતનાર મરે મેડ્રિડ ઓપન તથા મ્યુનિચ ઓપનમાં પણ ચેમ્પિયન બન્યો હતો. મરેને ૩.૮૦ લાખ કરતાં વધારે યૂરો ડોલરની પ્રાઇઝ મની મેળવી હતી.
ગ્રાસ કોર્ટ પર ટાઇટલ જીતી ચૂકેલા એન્ડી મરેએ કારકિર્દીમાં ૩૪ એટીપી ટાઇટલ જીત્યા છે અને સર્વાધિક ટૂર્નામેન્ટ જીતનાર ખેલાડીઓની યાદીમાં તે હવે આર્થર એશ, માઇકલ ચાંગ તથા જ્હોન ન્યૂકોમ્બની હરોળમાં ૧૮મા ક્રમે આવી ગયો છે. ૨૦૧૩માં વિમ્બલડન જીત્યા બાદ મરેએ પ્રથમ ગ્રાસ કોર્ટ ટાઇટલ જીત્યું છે.
એન્ડી મરે માટે રવિવારનો દિવસ અતિશય વ્યસ્ત અને ભારે શારીરિક શ્રમ વાળો રહ્યો હતો. તેણે ૬૪ મિનિટમાં ૧૭મા ક્રમાંકિત એન્ડરસનને હરાવવાના બે કલાક પહેલાં સેમિ-ફાઇનલમાં વિક્ટર ટ્રોસ્કીને ૬-૩, ૭-૬ (૭-૪)થી હરાવ્યો હતો. આમ તેને સેમિ-ફાઇનલ તથા ફાઇનલ વચ્ચે માત્ર બે કલાકનો ગાળો મળ્યો હતો.
આ વર્ષ ૨૦૧૫માં એન્ડી મરેને બે વખત એક દિવસમાં બે મુકાબલા રમવા પડ્યા છે. રવિવારે ક્વિન્સ ક્લબમાં રમતા પહેલાં તે અગાઉ મ્યુનિચ ઓપનમાં એક દિવસે લુકાસ રોસોલ તથા રોબર્ટા બાતિસ્તા સામે સતત બે મુકાબલા રમ્યો હતો. એન્ડરસન સામે મરે અત્યાર સુધી છમાંથી પાંચ મુકાબલા જીત્યો છે.