લંડનઃ ટેનિસ વિશ્વના બીજા ક્રમાંકિત એન્ડી મરેએ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં છઠ્ઠા ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિકને ૬-૪, ૭-૬ (૭-૩), ૭-૬ (૭-૨)થી હરાવીને કારકિર્દીમાં બીજી વખત વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ટાઇટલ જીત્યું છે. મરેએ ૨૦૧૨માં યુએસ ઓપન ઉપરાંત ૨૦૧૩માં વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. કારકિર્દીમાં એક કરતાં વધુ વખત વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ જીતનાર ફ્રેડ પેરી બાદ મરે બીજો બ્રિટિશ ખેલાડી બન્યો છે.
કારકિર્દીમાં ૧૧મો વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ રમનાર મરે ટૂર્નામેન્ટના પ્રારંભથી જ ટાઇટલ માટેનો હોટ ફેવરિટ હતો. આ અગાઉ જ્યારે પણ તે ફાઇનલમાં રમ્યો હતો ત્યારે તેની સામે હરીફ તરીકે ફેડરર અથવા જોકોવિચ રહેતો હતો. બીજી તરફ શક્તિશાળી સર્વિસ કરનાર રાઓનિક પ્રથમ વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો. સેમિ-ફાઇનલ સુધીમાં ૧૩૭ ધમાકેદાર એસ ફટકારી ચૂકેલા કેનેડિયન ખેલાડી પાસે મરેની કુનેહપૂર્વકની રમતનો કોઈ જવાબ નહોતો.