રિયો ડી’ જાનેરોઃ બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ પુરુષ સિંગલ્સની ફાઇનલમાં આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પોટ્રોને હરાવી ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. મરેએ ડેલ પોટ્રોને ચાર કલાકથી વધુ સમય સુધી ચાલેલા મુકાબલામાં ૭-૫, ૪-૬, ૬-૪, ૭-૫થી પરાજય આપ્યો હતો.
આ વિજય સાથે એન્ડી મરે ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. મરેએ ૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હારને કારણે પોટ્રોને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. બ્રોન્ઝ મેડલના મુકાબલામાં જાપાનના કેઇ નિશિકોરીએ સ્પેનના રફેલ નડાલને ૬-૨, ૬-૭, ૬-૩થી હરાવી જાપાનને ૯ વર્ષ બાદ ટેનિસમાં મેડલ અપાવ્યો હતો. આ પહેલાં ૧૯૨૦માં જાપાને પુરુષ સિંગલ્સ અને પુરુષ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યા હતા.