નવી દિલ્હી: ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં ખુબ જ ખરાબ પ્રદર્શન કર્યા બાદ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાથી બહાર કરી દેવામાં આવ્યો છે અને હવે આ ઓલરાઉન્ડર નવી મુશ્કેલીમાં ફસાઇ ગયો હોવાના અહેવાલ છે. ખબર છે કે, વિદેશ પ્રવાસેથી પરત ફરેલી હાર્દિક પંડ્યા પાસેથી એરપોર્ટ કસ્ટમ વિભાગે ૫ કરોડ રૂપિયાની કિંમતની ૨ ઘડિયાળો જપ્ત કરી છે.
હાર્દિક પંડ્યા પાસે ૫ કરોડ રૂપિયાની આ બે ઘડિયાળોના બિલ નહોતા અને ન તો તેણે પોતાની પાસે બે મૂલ્યવાન ઘડિયાળ હોવાનું ડિક્લેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા ટીમની સાથે રવિવારે સ્વદેશ પરત ફર્યો હતો, પરંતુ કસ્ટમ વિભાગે તેને રોકી લીધો હતો અને મોંઘી ઘડિયાળો જપ્ત કરી હતી.
વર્ષ ૨૦૧૯માં પણ હાર્દિક પંડ્યાએ પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે હોસ્પિટલના બેડ પર સૂતેલો જોવા મળતો હતો અને તેના હાથમાં સોનાની ઘડિયાળ હતી. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે હાર્દિક પંડયાનો મોટા ભાઇ કૃણાલ પંડ્યા પણ મોંઘી ઘડિયાળના મામલામાં ફસાયો હતો. તે પણ લાખો રૂપિયાની ઘડિયાળો કસ્ટમ વિભાગની જાણકારી વિના લઇ આવ્યો હતો, જેના પછી તેને જપ્ત કરી લેવામાં આવી હતી.
બીજી તરફ, હાર્દિકે ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કરીને જણાવ્યું હતું કે દુબઇથી કાયદેસર ખરીદેલી ચીજવસ્તુઓના ડિકલેરેશન માટે હું જાતે જ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના કાઉન્ટર પર ગયો અને જરૂરી કસ્ટમ ડ્યુટી ભરવા માટે તૈયાર હતો. સોશિયલ મીડિયા પર મારા ડિક્લેરેશન અંગે ખોટી વાતો ફેલાઈ રહી છે, હું આ અંગે સ્પષ્ટતા કરવા માગું છું. કસ્ટમ વિભાગે ખરીદીના બધા દસ્તાવેજ માગ્યા હતા જે રજૂ કરવામાં આવ્યા હતા, કસ્ટમ વિભાગ વસ્તુઓની કિંમતનું આકલન કરે છે જેથી યોગ્ય ડ્યુટી નક્કી કરી શકાય, અને મેં ડ્યુટી ભરવાની તૈયારી પહેલાં બતાવી છે.