લંડનઃ ઓસ્ટ્રેલિયાએ એશિઝ ક્રિકેટ સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ અને ૪૬ રને હરાવીને કેપ્ટન માઇકલ ક્લાર્કને વિજય સાથે વિદાય આપી છે. અલબત્ત, મેચમાં પરાજય છતાં ઈંગ્લેન્ડે સીરિઝ ૩-૨થી જીતી લીધી હતી.
ફોલોઓન બાદ ઇનિંગ્સ પરાજયને ખાળવા માટે ઇંગ્લેન્ડને ૩૩૨ રન કરવાના હતા જેની સામે તેનો બીજો દાવ ૨૮૬ રનમાં સમેટાયો હતો. વિજય મેળવ્યા બાદ ક્લાર્ક, રોજર્સ અને તેમના સાથીઓએ ઇંગ્લેન્ડની ટીમ સાથે મેદાનમાં ચક્કર લગાવીને પ્રશંસકોનો આભાર માન્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથને મેન ઓફ મેચ જાહેર થયો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાના ક્રિસ રોજર્સ તથા ઇંગ્લેન્ડના જોઇ રુટને એશિઝ શ્રેણીમાં તેમણે કરેલા શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઓફ સિરિઝ જાહેર થયા હતા.
ઓસ્ટ્રેલિયાને છેલ્લી ટેસ્ટ જીતવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી ત્યારે વરસાદનું ભારે વિઘ્ન નડ્યું હતું અને એક સમયે મેચ પાંચમા દિવસ સુધી ખેંચાય તેવું લાગતું હતું. લંચ સમયે ઇંગ્લેન્ડે ૨૫૮ રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. ઇજાગ્રસ્ત જોશ હેઝલવુડના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા સિડલે માર્ક વૂડ (૬)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથા દિવસની પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ મિચેલ માર્શે બટલર (૪૨)ને પેવેલિયન પરત મોકલ્યો હતો. સમયે ઇંગ્લેન્ડે આઠમી વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા માટે સિડલે ૩૫ રનમાં ચાર, લાયને ૫૩ રનમાં બે તથા માર્શે ૫૬ રનમાં બે વિકેટ ખેરવી હતી. એશિઝ સીરિઝ પૂરી થયા બાદ બંને કેપ્ટન કૂક અને ક્લાર્કે સમગ્ર શ્રેણી દરમિયાન કરેલા પ્રદર્શન બદલ એકબીજાને અભિનંદન આપ્યા હતા.