ભુવનેશ્વરઃ ઓડીસાના ભુવનેશ્વરમાં યોજાયેલી ૨૨મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયશીપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં ૧૨ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ સાથે મેડલ ટેલીમાં ટોચનો ક્રમ મેળવ્યો હતો. આ સાથે ભારતે એશિયન એથ્લેટિક્સના ૪૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત મેડલ ટેલીમાં ટોચનો ક્રમ મેળવતા શ્રેષ્ઠતમ દેખાવ કર્યો હતો.
ચીનની ટીમ ૮ ગોલ્ડ સાથે ૨૦ મેડલ જીતીને બીજા ક્રમે રહી હતી. જ્યારે કઝાકિસ્તાનને ૪ ગોલ્ડ સાથે કુલ આઠ મેડલ મળ્યા હતા અને તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા. ઘરઆંગણે રમાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ આખરી દિવસે શાનદાર દેખાવ કરતાં વધુ પાંચ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.
ભારતના ગોવિંદન લક્ષ્મણે ઐતિહાસિક ડબલની સિદ્ધિ મેળવતા ૫,૦૦૦ મીટરની દોડ બાદ ૧૦,૦૦૦ મીટરની દોડમાં પણ સુવર્ણ સફળતા મેળવી હતી. તેણે ૨૯ મિનિટ અને ૫૫.૮૭ સેકન્ડમાં રેસ પુરી કરી હતી. જ્યારે ભારતના થોનાકાઈ ગોપીએ આ જ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ૮૦૦ મીટરની દોડમાં ભારતના જીન્સન જોહ્ન્સને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે પુરુષો અને મહિલાઓની ૪ બાય ૪૦૦ મીટરની રિલે જીતી લીધી હતી. મેન્સની રેસમાં કુન્જુ મોહમ્મદ, અમોજ જેકોબ, મુહમ્મદ અનાસ અને રાજીવ અરોકિયાની ટીમે ત્રણ મિનિટ અને ૨.૯૨ સેકન્ડમાં રેસ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ૪ બાય ૪૦૦ મીટરની મહિલાઓની રિલેમાં દેવશ્રી મજમુદાર, પોવામ્મા એમ.આર., જીન્સા મેથ્યૂ અને નિર્મલા શેઓરનની ટીમે ત્રણ મિનિટ અને ૩૧.૩૪ સેકન્ડના સમય સાથે ગોલ્ડ જીત્યો હતો.