મુંબઈઃ ભારતના સ્ટાર ક્યૂઇસ્ટ પંકજ અડવાણીએ અબુધાબીમાં એશિયન સિક્સ-રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. અડવાણીએ મલેશિયાના ટોચના ક્રમાંકિત કીન હો મોને ૭-૫ના ફ્રેમ સ્કોરથી હરાવીને સ્નૂકરના સૌથી નાના ફોર્મેટમાં દબદબો જાળવ્યો હતો. આમ પંકજ અડવાણી વર્લ્ડ અને કોન્ટિનેન્ટલ ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ ક્યૂઇસ્ટ બન્યો છે. ફાઇનલ મુકાબલો અત્યંત ચઢાવઉતારવાળો રહ્યો હતો અને બંને ખેલાડીઓએ પ્રત્યેક બીજી ફ્રેમમાં વળતી લડત આપીને ફાઇનલ અત્યંત રોમાંચક બનાવી દીધી હતી. જોકે આખરે અડવાણીએ ટાઇટલ પોતાના નામે કરી કર્યું હતું.
સેમિ-ફાઇનલમાં ભારતના અન્ય ક્યૂઇસ્ટ આદિત્ય મહેતાને ૬-૧થી હરાવ્યા બાદ અડવાણીએ ફાઇનલમાં સંગીન શરૂઆત કરી હતી અને પ્રથમ ફ્રેમને ૩૯-૪થી જીતી હતી. જોકે તે બીજી ફ્રેમ ૬-૫૧થી હારી ગયો હતો. હાર અને જીતનો સિલસિલો ધીમે ધીમે આગળ વધ્યો હતો. અડવાણી ત્રીજી ફ્રેમને ૪૦-૧૪થી જીત્યા બાદ ચોથી ફ્રેમ ૦-૩૭થી ગુમાવી હતી. પાંચમી તથા છઠ્ઠી ફ્રેમમાં ૩૦ વર્ષીય અડવાણીનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો અને તેણે અનુક્રમે ૪૧-૭ તથા ૪૪-૮થી વિજય મેળવ્યો હતો.