લંડનઃ એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (ASF)ની ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ સ્ટ્રેટેજીને લંડનના સિટી હોલમાં 2023ની 18 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ રણનીતિ ઈંગ્લેન્ડમાં વસતી એશિયન કોમ્યુનિઓનું આરોગ્ય સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે છે. આ લોન્ચિંગમાં રમતો માટેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી સ્ટુઅર્ટ એન્ડ્ર્યુ MP, સ્પોર્ટ ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ હોલિંગ્સવર્થ અને કોચ એન્નીઝેડ ફાઉન્ડેશનના સ્થાપક એન્ની ઝૈદી ઉપસ્થિત રહ્યાં હતાં.
રમતો માટેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી સ્ટુઅર્ટ એન્ડ્ર્યુ MP એજણાવ્યું હતું કે,‘સ્પોર્ટ્સ અને શારીરિક પ્રવૃત્તિઓ આપણા માનસિક અને શારીરિક આરોગ્ય માટે વ્યાપક લાભ પૂરાં પાડે છે. આથી અમે સમગ્ર સેક્ટરમાં પહોંચ અને સમાવેશિતા સુધારવા મક્કમ છીએ. હું એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (ASF)ની ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ સ્ટ્રેટેજીને આવકારું છું જે 2030 સુધીમાં 3.5 મિલિયનથી વધુ લોકોને સક્રિય બનાવવાની અમારી તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલી રણનીતિ સાથે સુસંગત છે.’
સ્પોર્ટ ઈંગ્લેન્ડના સીઈઓ ટીમ હોલિંગ્સવર્થે જણાવ્યું હતું કે,‘સ્પોર્ટ ઈંગ્લેન્ડ એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્ટ્રેટેજી અને ઉદ્દેશોને સપોર્ટ કરતા આનંદ અનુભવે છે. ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ રમતો રમવાની અને શારીરિક રીતે સક્રિય રહેવા પર મહત્ત્વપૂર્ણ અને સમયસર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ઈંગ્લેન્ડમાં રહેતી એશિયન કોમ્યુનિટીના આરોગ્ય અને સ્વાસ્થ્યને અસર પહોંચાડનારી બની રહેશે.’
ASFના ચેરમેન જુગ જોહલે જણાવ્યું હતું કે.‘અમે કોમ્યુનિટીના આરોગ્યને સુધારવા રમતોમાં એશિયનોની ભાગીદારી વધારવાની અમારી યોજનાને વિકસાવી રહ્યા છીએ. આની સાથે કોમ્યુનિટીના સારા સંવાદ, યુકેમાં જીવન અને જીવના પ્રત્યે રચનાત્મક અભિગમો અને અપરાધોના અટકાવ સહિત વધારાના લાભ પણ પ્રાપ્ત થશે. ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ માં ASF અંડરટેકિંગ અને તે પછી રાષ્ટ્રીય સ્પોર્ટિંગ સંસ્થાઓ, પ્રોફેશનલ સ્પોર્ટ્સ ક્લબ્સ અને ઈંગ્લેન્ડમાં એશિયન કોમ્યુનિટીઓ સાથે સંકળાવા ઈચ્છતી અન્ય કોઈ પણ સંસ્થાને સંશોધન અને ઈનસાઈટ પૂરા પાડવાનો સમાવેશ થશે. ASF એશિયન કોમ્યુનિટીઓ સાથે સારી રીતે સંકળાવા ઈચ્છતી સંસ્થાઓને જરૂરિયાત અનુસારના ટ્રેનિંગ કોર્સીસ (રૂબરુ અને ઓનલાઈન) પણ પૂરાં પાડશે. આ પ્રકારની આઉટરીચ કામગીરી કરી આપતી સંસ્થાઓને લાંબા ગાળાનું ભંડોળ મેળવી આપવામાં પણ ASF મદદ કરશે.’
ASF ચેરિટી સંસ્થા છે જેની સ્થાપના 2015માં વંશીય લઘુમતી પશ્ચાદભૂના તમામ વયના લોકોમાં સ્પોર્ટિંગ અને શારીરિક પ્રવૃત્તિનું સ્તર વધારવાના હેતુ સાથે થઈ હતી જેનું ખાસ ધ્યાન ઈંગ્લેન્ડમાં રહેતી એશિયન કોમ્યુનિટીઓના લોકોને સપોર્ટ કરવા પર કેન્દ્રિત રહેશે.