નવી દિલ્હીઃ એશિયા કપ 2022નો આરંભ 27 ઓગસ્ટથી યુએઇમાં થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાશે. જોકે બધાની નજર 28 ઓગ્સ્ટે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર મહામુકાબલા પર છે. ભારત આ ટૂર્નામેન્ટની શરૂઆત પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચ સાથે કરશે.
એશિયા કપની 15મી એડિશનની યજમાની આમ તો શ્રીલંકાને મળી હતી પણ આ દેશમાં હાલમાં ભારે આર્થિક સંકટ ચાલી રહ્યું હોવાના કારણે શ્રીલંકન બોર્ડે ટૂર્નામેન્ટ યોજવાની અશક્તિ જાહેર કરી હતી. આ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં આ વર્ષે ભારત સહિત કુલ છ ટીમ ભાગ લઈ રહી છે, જેમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની ટીમ સામેલ છે. પાંચ દેશોએ પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે. એક અન્ય ટીમ પણ ક્વોલિફાઇંગ રાઉન્ડ પાર કરીને આ ટીમો સાથે જોડાશે. આ ટીમોને બે જૂથમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ એ'માં ભારત અને પાકિસ્તાનની સાથે ક્વોલિફાઇ કરનારી ટીમ જોડાશે. જ્યારે ગ્રૂપ બી'મા શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.
પાકિસ્તાનને મોટો ફટકો
એશિયા કપ શરૂ થવાના સપ્તાહ પહેલાં જ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. શાહીન આફ્રિદીએ ગયા વર્ષે T20 વર્લ્ડકપમાં ભારત સામે પાકિસ્તાનની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીલંકા સામે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે શાહીનને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ પછી પીસીબીની મેડિકલ એડવાઈઝરી કમિટીએ શાહીન આફ્રિદીને 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.
તમામ દેશોની ક્રિકેટ ટીમ
• ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યૂઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપસિંહ, અવેશ ખાન
• પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રઉફ, ઇફ્તેખાર અહમદ, ખુશદીલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયન, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર
• બાંગ્લાદેશઃ સાકીબ અલ હસન (કેપ્ટન), અનામુલ્લા હક્ક, મુશફિકુર રહીમ, આશિફ હુસૈન, મોસદ્દેક હુસૈન, મહમુઉલ્લાહ રિયાદ, મહેંદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મેહમૂદ, મુસ્તાફિઝુર રહમાન, નાસુમ અહમદ, શબ્બીર રહેમાન, મહેંદી હસન મિરાઝ, ઇબાદત હુસૈન, પરવેઝ હુસૈન ઇમોન, નુરુલ હસન સોહન, તસ્કીન અહમદ
• શ્રીલંકાઃ દાસુન શનાકા (કેપ્ટન), ધનુષકા ગુણથિલકા, પથુમ નિસંકા, કુસલ મેન્ડિસ, ચરિત અસલંકા, બાનુકા રાજપક્સે, આશેન બંડારા, ધનંજય ડી’સિલ્વા, વનિદુ હસરંગા, મહેશ થીક્ષાના, જેફરી વાંડરસે, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, ચામિકા ફર્નાન્ડો, મદુશંકા, મથીશા પથિરાના, દિનેશ ચાંદીમલ, નવાનિંદુ ફર્નાન્ડો અને કસુન રજિતા
• અફઘાનિસ્તાનઃ મોહમ્મદ નબી (કેપ્ટન), નઝિબુલ્લાહ ઝાદરાન (વાઇસ કેપ્ટન), અફસર ઝઝઇ (વિકેટ કીપર), અઝમતુલ્લાહ ઓમરજઇ, ફરીદ અહમદ મલીક, ફઝલ હક ફારુકી, હશમતુલ્લા શાહિદી, હઝરતુલ્લાહ ઝઝઇ, ઇબ્રાહીમ ઝાદરાન, કરીમ જનત, મુજીબ ઉર રહેમાન, નૂર એહમદ, રહમાનુલ્લા ગુરબાઝ, રાશિદ ખાન, સમીઉલ્લાહ શિનવારી