નવી દિલ્હીઃ આવતા પખવાડિયાથી બાંગ્લાદેશમાં શરૂ થઇ રહેલા એશિયા કપ અને આવતા મહિનાથી ભારતમાં શરૂ થઇ રહેલા આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. ક્રિકેટના સૌથી નાના, પણ સૌથી વધુ લોકપ્રિય અને રોમાંચક એવા આ ફોર્મેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ જાહેર કરાયેલી ટીમમાં ગુજરાતના ત્રણ ક્રિકેટરો - રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહે સ્થાન મેળવ્યું છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની સિલેક્શન કમિટીની ચીફ સિલેક્ટર સંદીપ પાટિલે પાંચમી ફેબ્રુઆરીના રોજ પત્રકાર પરિષદ યોજીને ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા એશિયા કપ અને ૮ માર્ચથી યોજાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
ટીમમાં ઝડપી બોલર મોહમ્મદ શમીનું પુનરાગમન થયું છે જ્યારે ઓલરાઉન્ડર તરીકે પવન નેગી નવો ચહેરો છે. સિનિયર ખેલાડીમાં યુવરાજ, હરભજન, આશિષ નેહરાએ ટીમમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ઝડપી બોલર ઇશાંત શર્મા અને ભુવનેશ્વર કુમારને પડતા મૂકાયા છે.
ભારતીય ટીમ નવમી ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમશે. ત્યારબાદ ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે બાંગ્લાદેશ જશે જ્યાં ભારતનો પ્રથમ મુકાબલો યજમાન ટીમ સામે થશે. માર્ચ મહિનામાં શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારત પોતાનાં અભિયાનની શરૂઆત ન્યૂ ઝિલેન્ડ સામેના મુકાબલાથી કરશે. પસંદગીકારોએ ધોનીની કેપ્ટનશિપ પર ભરોસો રાખી બેટિંગ, બોલિંગમાં શ્રેષ્ઠ ખેલાડીઓને પસંદ કરી મજબૂત ટીમ જાહેર કરી છે.
યુવા અને અનુભવી ખેલાડીનું સંતુલન
ટીમ ઇંડિયાની પસંદગીમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંતુલન જોવા મળે છે. એશિયા ખંડની પીચો મુખ્યત્વે સ્પિન બોલરોને મદદરૂપ થતી હોવા ઉપરાંત ટી૨૦ બેટ્સમેનોની ગણાતી હોવાથી ક્રિકેટના સૌથી નાના ફોર્મેટના વર્લ્ડ કપ અને એશિયા કપ માટે ભારતીય ટીમમાં બેટિંગ સ્પેશિયાલિસ્ટ તરીકે રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ધોની અને સુરેશ રૈનાને સામેલ કરાયા છે. સુરેશ રૈના બેટિંગની સાથે પાર્ટટાઇમ સ્પિન બોલિંગ પણ કરી ટીમને ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.
આ ઉપરાંત ટીમમાં ચાર ઓલ રાઉન્ડર સામેલ કર્યા છે. જેમાં યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા અને પવન નેગીનો સમાવેશ થાય છે. સ્પિન વિભાગમાં હરભજન સિંહ અને આર. અશ્વિનને સ્થાન અપાયું છે. આ બંને ખેલાડીઓ પણ જરૂરત સમયે બેટિંગ કરવામાં પણ સક્ષમ છે. મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને આશિષ નેહરાના રૂપમાં ત્રણ ઝડપી બોલરને સામેલ કરાયા છે.
ગુજરાતના ત્રણ ખેલાડી
એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં રવીન્દ્ર જાડેજા (જામનગર), હાર્દિક પંડયા (વડોદરા) અને જસપ્રીત બુમરાહ (અમદાવાદ)નો સમાવેશ થાય છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાએ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સારું પ્રદર્શન કરતાં ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝમાં સ્થાન મળ્યું હતું. આ સિરીઝમાં બંનેએ સારું પ્રદર્શન કરીને ટીમ ઇંડિયામાં સ્થાન પાક્કું કર્યું છે. સૈયદ મુસ્તાક અલી ટી-૨૦માં બરોડાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડનાર ઇરફાન પઠાણ અને ઓસ્ટ્રેલિયાપ્રવાસ દરમિયાન ભારતીય ટીમમાં સામેલ કરાયેલા અક્ષર પટેલને નજરઅંદાજ કરવામાં આવ્યા છે.
પાંડે આઉટ, રહાણે ઇન
ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વન-ડેમાં સદી ફટકારી ભારતને જીત અપાવનાર મનીષ પાંડેને રહાણે ઇજાગ્રસ્ત હોવાથી શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝમાં તો સ્થાન મળ્યું હતું, પરંતુ એશિયા કપ અને ટી૨૦ વર્લ્ડ કપ માટેની ટીમમાં તો બીસીસીઆઇએ અનુભવી અજિંક્ય રહાણેને જ યથાવત્ રાખ્યો છે. આ અંગે ચીફ સિલેક્ટર સંદીપ પાટીલે કહ્યું કે, અમે મનિષ પાંડેના નામ પર પણ વિચાર કર્યો હતો, પરંતુ રહાણેના સાતત્યપૂર્ણ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ટીમમાં સ્થાન અપાયું છે.
શમીની પસંદગી ચોંકાવનારી
ઇજાને કારણે છેલ્લા ૧૦ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા ઝડપી બોલર મોહમ્મદ શમીનો એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સમાવેશ કરીને પસંદગીકારોએ સૌને ચોંકાવ્યા છે. શમી ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં વન-ડે વર્લ્ડ કપ બાદ ઇજાને કારણે એકેય મેચ રમ્યો નથી. ગત ઓક્ટોબર-નવેમ્બરમાં સ્વસ્થ થતાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે અને ટી૨૦ સિરીઝ માટેની ભારતીય ટીમમાં તેને સ્થાન અપાયું હતું. જોકે સિરીઝ શરૂ થતાં પહેલાં જ ફરી ઇજાગ્રસ્ત થતાં ટીમમાંથી બહાર થઈ ગયો હતો.
શમી હજુ સંપૂર્ણપણે સ્વસ્થ થયો ન હોવાથી શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝમાં સ્થાન અપાયું નથી, પરંતુ પસંદગીકારોને વિશ્વાસ છે કે એશિયા કપ પહેલાં શમી સ્વસ્થ થઈ જશે. પસંદગીકાર સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, શમી ઇજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યો છે. શમી ભારતીય ટીમનો મુખ્ય બોલર ગણાય છે. ગત વર્ષે વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત હોવા છતાં સેમિ-ફાઇનલ સુધી રમ્યો હતો, જેના કારણે તેની ઇજા વધી ગઈ હતી અને સર્જરી કરાવવી પડી હતી.
ટીમ ઇંડિયા
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, યુવરાજ સિંહ, રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, પવન નેગી, હરભજન સિંહ, આર. અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, આશિષ નેહરા