એશિયા કપઃ રોમાંચક મેચમાં ટ્રોફી કબ્જે કરતી ટીમ ઇંડિયા

Saturday 29th September 2018 08:27 EDT
 
 

દુબઇઃ એશિયા કપની રોમાંચક ફાઇનલ મેચમાં ટીમ ઇંડિયાએ બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી છે. બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની અને દિનેશ કાર્તિકની મક્કમ બેટિંગની મદદથી ભારતે શુક્રવારે રમાયેલી અને આખરી બોલ સુધી રોમાંચક બનેલી ફાઈનલમાં બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો. ભારતે સાતમી વખત એશિયા કપ ટાઈટલ જીતને ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે આપેલા ૨૨૩ રનના લક્ષ્યાંકને ભારતે અંતિમ બોલમાં પાર પાડ્યો હતો. અંતિમ બોલમાં એક રનની જરૂર હતી અને કેદાર જાધવે ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.

ભારત આસાનીથી મેચ જીતી જશે તેવું એક સમયે લાગી રહ્યું હતું પરંતુ બાંગ્લાદેશી બોલર્સે વળતો પ્રહાર કરીને ભારતીય બેટ્સમેનોને હંફાવ્યા હતા. આમ આસાન મેચ અંતિમ ક્ષણો સુધી રોમાંચક બની રહી હતી. બાંગ્લાદેશ ત્રીજી વખત એશિયા કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. જોકે, તેને ત્રીજી વખત ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ ૨૦૧૨માં બાંગ્લાદેશ પાકિસ્તાન સામે હારી ગયું હતું. જ્યારે ૨૦૧૬માં ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં રમાયેલા એશિયા કપની ફાઈનલમાં ભારતે તેને બે વિકેટ પરાજય આપ્યો હતો..

ભારત માટે કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ ૪૮ રન નોંધાવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિકે ૩૭ અને મહેન્દ્ર સિંહ ધોનીએ ૩૬ રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત રવીન્દ્ર જાડેજાએ ૨૩ અને ભુવનેશ્વર કુમારે ૨૧ રનનું યોગદાન આપ્યું હતું. જાધવે અણનમ ૨૩ રન નોંધાવ્યા હતા. મેચ જીતવા માટે ૨૨૩ રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતની શરૂઆત થોડી નિરાશાજનક રહી હતી. ભારતે ૩૫ રનના સ્કોર પર શિખર ધવનની વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે સ્કોર ૪૬ રનનો થયો ત્યારે અંબાતી રાયડૂ પણ આઉટ થઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter