ઓડિશામાં 15મો હોકી વર્લ્ડ કપઃ 16 ટીમ, 288 ખેલાડી, 44 મેચ

Wednesday 11th January 2023 11:47 EST
 
 

ભુવનેશ્વરઃ દુનિયાભરના સર્વશ્રેષ્ઠ 288 હોકી ખેલાડી ઓડિશાના બે શહેર ભુવનેશ્વર અને રાઉરકેલામાં પોતાનું કૌવત બતાવશે. શુક્રવાર - 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા 15મા હોકી વર્લ્ડ કપ દરમિયાન આ બંને શહેર 16 ટીમોની યજમાની કરશે. હોકી વર્લ્ડ કપ હોકીના 51 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત બે શહેરોમાં આ ટૂર્નામેન્ટ યોજાશે. 29 જાન્યુઆરી સુધી ચાલનારા વર્લ્ડ કપની 44 મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ માત્ર એક વાર 1975માં ચેમ્પિયન બની શકી છે. 2018માં છેલ્લો વર્લ્ડ કપ પણ ભારતમાં રમાયો હતો, ત્યારે બેલ્જિયમ વિજેતા બન્યું હતું. ભારતીય ટીમનું અભિયાન 13 જાન્યુઆરીથી સ્પેન વિરુદ્ધ શરૂ થશે. ત્યાર પછી ટીમ 15 જાન્યુઆરીના રોજ ઈંગ્લેન્ડ અને 19 જાન્યુઆરીએ વેલ્સ સામે ટકરાશે.

4 ગ્રૂપમાં 16 ટીમ
ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 16 ટીમોને 4 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રૂપમાં 4-4 ટીમ છે. દરેક ગ્રૂપની ટોપ ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય કરશે, જ્યારે બીજા અને ત્રીજા નંબરની ટીમો બીજા ગ્રૂપની બીજા અને ત્રીજા નંબરની ટીમ સાથે ક્રોસઓવર મેચ રમશે. વિજેતા ટીમ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચશે. ક્રોસઓવર, ક્વાર્ટર ફાઈનલ, સેમિ-ફાઈનલ, ત્રીજા-ચોથા સ્થાનની મેચ અને ફાઈનલ મેચ કલિંગા સ્ટેડિયમમાં રમાશે.
સૌથી સફળ પાક. ટીમ ક્વોલિફાય જ ન થઇ
હોકી વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ પાકિસ્તાન છે, જે ચાર વાર ચેમ્પિયન અને બે વાર રનર- અપ રહી છે. જોકે, ટીમ આ વખતે ક્વોલિફાય કરી શકી નથી. પાકિસ્તાન સિવાય હોકી રમનારા બધા એશિયન દેશ વર્લ્ડ કપમાં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter