ભુવનેશ્વરઃ ભારતના યજમાનપદે ઓડિસાના રૂરકેલા અને ભુવનેશ્વરમાં 13 જાન્યુઆરીથી એફઆઇએચ મેન્સ હોકી વર્લ્ડ કપનો પ્રારંભ થઇ ગયો છે. આ સાથે જ સતત બીજી વખત વર્લ્ડ કપની યજમાની કરનાર ભારત બીજો દેશ બની ગયો છે.
હોકી વર્લ્ડ કપના ઇતિહાસ ઉપર નજર નાખીએ તો 14 સિઝનમાં કુલ 605 મેચો રમાઇ છે અને તેમાં 2433 ગોલ નોંધાયા છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ 26 દેશ રમી ચૂક્યા છે અને આ વખતે બે ટીમનો ઉમેરો થયો છે. ચિલી અને વેલ્સ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે તે સાથે જ ટીમોની સંખ્યા 28ની પહોંચી જશે. ભારત, નેધરલેન્ડ્સ અને સ્પેન હાઇએસ્ટ 14-14 વખત વર્લ્ડ કપમાં રમી ચૂક્યા છે અને આ ત્રણેય ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં પણ રમવાની છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન તથા ઇંગ્લેન્ડ 13-13 વખત રમ્યા છે. જોકે ચાર વખતની ચેમ્પિયન પાકિસ્તાનની ટીમ આ વખતે ક્વોલિફાય થઇ શકી નથી.
વિશ્વનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ
રૂરકેલાનું બિરસા મુન્ડા સ્ટેડિયમ 21 હજાર પ્રેક્ષકોની ક્ષમતા ધરાવે છે અને તે વિશ્વનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ પણ છે. 16 ટીમોની 44 મેચ રમાશે જેમાંથી 24 ભુવનેશ્વરમાં તથા રૂરકેલામાં 20 મેચ રમાશે. છેલ્લે બેલ્જિયમે ફાઇનલમાં નેધરલેન્ડ્સને શૂટઆઉટમાં હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 92માંથી 69 મેચ જીતી છે અને તેના વિજયનો રેશિયો 75નો રહ્યો છે અને તેણે સર્વાધિક 305 ગોલ પણ કર્યા છે. નેધરલેન્ડ્સની ટીમ 1973 અને 1974માં બેક ટૂ બેક ટાઇટલ જીતનાર એકમાત્ર ટીમ છે.
ટૂર્નામેન્ટમાં ભારત ફેવરિટ
ભારતની યજમાનીમાં ચોથી વખત હોકી વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે અને યજમાન હોવાના નાતે ભારતને ફેવરિટ ટીમોમાં સ્થાન આપવામાં આવ્યું છે. વર્લ્ડ કપની 15મી સિઝન ઓડિશાના રૂરકેલા અને ભુવનેશ્વર ખાતે રમાઇ રહી છે. 14 વખત વર્લ્ડ કપમાં રમનાર ભારતીય હોકી ટીમ માટે 48 વર્ષ બાદ ફરીથી ટ્રોફી જીતવાની તક છે. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યા બાદ 2021-22માં એફઆઇએચ પ્રો-હોકી લીગમાં ત્રીજા ક્રમે રહ્યા બાદ મેડલની પૂરી સંભાવના છે.