પેરિસ: પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની દરમિયાન ઇસુ ખ્રિસ્તના ‘લાસ્ટ સપર’ (છેલ્લુ ભોજન) અંગે રજૂ કરાયેલા નીચલા સ્તરના કાર્યક્રમે વિવાદ સર્જ્યો છે અને પૂરા વિશ્વમાંથી તેની આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે. ખ્રિસ્તી સમુદાય આ પ્રોગ્રામને અપમાનજનક બતાવી રહ્યા છે અને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય છે કે જ્યારે કોઇ વ્યક્તિ મનોરંજનના હેતુથી જેન્ડરની વિરુદ્ધના કપડાં પહેરે છે ત્યારે તેને ડ્રેગ કહેવામાં આવે છે. ડ્રેગ ક્વીન સામાન્યપણે પુરુષ હોય છે જે મનોરંજનના હેતુથી ફિમેલ જેન્ડરની નકલ કરે છે.
આ વિવાદાસ્પદ પ્રોગ્રામમાં ડ્રેગ ક્વિન્સની વચ્ચે મુગટ પહેરેલી એક મહિલાને ઈસુ ખ્રિસ્ત તરીકે દેખાડવામાં આવી છે. મહિલાઓને શિષ્ય બનાવવામાં આવી છે અને વચ્ચે એક પ્લસ સાઈઝની મહિલા એક વિશાળ મુગટ પહેરીને બેઠી છે જે ઈસુ ખ્રિસ્તનું પ્રતિક છે. ઇસુ ખ્રિસ્તના લાસ્ટ સપરને ખ્રિસ્તી ધર્મની સૌથી પવિત્ર ઘટના માનવામાં આવે છે.
ઈન્ટરનેશનલ સ્તરે પ્રસિદ્ધ રાજનૈતિક હસ્તીઓ વિશેષ કરીને અમેરિકન રાજનીતિ સાથે સંકળાયેલી વ્યક્તિઓએ પ્રોગ્રામની ઝાટકણી કાઢી છે. ટેસ્લા ફાઉન્ડર તથા સીઈઓ એલોન મસ્કે પણ આ પ્રકારના પ્રોગ્રામ અંગે નારાજગી વ્યક્ત કરી છે.