નવી દિલ્હીઃ ટોકિયો ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ભારત તરફથી ૧૦૦થી વધારે એથ્લીટ્સ સાથે આશરે ૧૯૦ સભ્યોની મજબૂત ટુકડી જાપાન મોકલવામાં આવે તેવી શક્યતા છે, તેમ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન (આઇઓએ)ના પ્રેસિડેન્ટ નરિન્દર બત્રાએ જણાવ્યું હતું. કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજુએ ત્રીજી જૂનના રોજ ઓલિમ્પિકમાં ભાગ લેનારા દેશના ખેલાડીઓ માટે ઓફિશિયલ કિટનું અનાવરણ કર્યું તે પ્રસંગે બત્રાએ આ અપેક્ષા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ૧૦૦ એથ્લીટ્સ ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાઇ થઇ ગયા છે જેમાં ૫૬ પુરુષો છે અને ૪૪ મહિલાઓનો સમાવેશ થાય છે.
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન અપેક્ષા રાખે છે કે ૨૩ જુલાઇથી શરૂ થઇ રહેલા રમતોત્સવ માટે હજુ વધુ ૨૫થી ૩૫ ભારતીય ખેલાડીઓની એન્ટ્રી થઇ શકે છે. ટોક્યો ગેમ્સ માટે ૫૦ દિવસ બાકી રહ્યા છે તેની ઉજવણી સાથેના આ ઓનલાઇન સમારોહ દરમિયાન બત્રાએ જણાવ્યું હતું કે આગામી બેથી ત્રણ સપ્તાહ દરમિયાન કે જ્યારે ક્વોલિફિકેશનની પ્રક્રિયા ખતમ થશે ત્યાં સુધીમાં દેશના ક્વોલિફાઇ એથ્લીટ્સની સંખ્યા ૧૨૫-૧૩૫ થઇ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેનો અર્થ એ થાય કે ખેલાડીઓ સાથે સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ મળીને આશરે ૧૯૦ સભ્યોની મજબૂત ટીમ બની શકે છે.
તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે આ ઓલિમ્પિકમાં ભારતના મેડલ્સની સંખ્યા બે આંકડામાં પહોંચી શકે છે. અત્રે નોંધનીય છે કે રમતગમત મંત્રાલયના નિયમ અનુસાર અધિકારીઓની સંખ્યા એથ્લીટ જૂથની સંખ્યાના એક તૃતિયાંશ કરતાં વધારે હોવી જોઈએ નહીં. જોકે સરકાર પર વધારાના અધિકારીઓના ખર્ચનો બોજો આવતો ન હોય તો મંત્રાલય વધારાના અધિકારી માટે મંજૂરી આપે છે.
સુમિત મલિક ડોપિંગમાં ફસાયો
ટોક્યો ઓલિમ્પિકના કેટલાક સપ્તાહ પહેલાં જ ભારતને મોટો ફટકો પડયો છે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકેલો રેસલ સુમિત મલિક ડોપિંગમાં ફસાયો છે અને રેસલિંગની ઇન્ટરનેશનલ સંસ્થા યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબ્લ્યુ) દ્વારા તેને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભારતીય રેસલર પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવામાં દોષિત માલૂમ પડયો છે. આ મામલામાં ભારતની એન્ટિડોપિંગ એજન્સી નાડાએ કોઇ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી, પરંતુ ભારતીય રેસલિંગ ફેડરેશને સુમિતનો બચાવ કર્યો છે. નોંધનીય છે કે ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક પહેલાં પણ ભારતીય રેસલર નરસિંહ યાદવ ડોપિંગમાં સસ્પેન્ડ થયો હતો. તેને ઓલિમ્પિક મેડલિસ્ટ સુશીલકુમારના સ્થાને મોકલવામાં આવ્યો હતો, પરંતુ રિયો પહોંચ્યા બાદ વાડાએ તેની ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.