નવી દિલ્હીઃ ભારતીય રેસલર યોગેશ્વર દત્તે ઓલિમ્પિક મેડલ કરતાં માનવતાને સર્વોચ્ચ સ્થાન આપતાં અવસાન પામેલા રશિયન રેસલર બેસીક કુડુખોવનો સિલ્વર મેડલ સ્વીકારવા અનિચ્છા દર્શાવી છે. ઓલિમ્પિક ઇન્ટરનેશનલ કમિટિ (આઇઓસી)એ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં સામેલ ખેલાડીઓના ડોપ ટેસ્ટના ફેર પરીક્ષણ બાદ જાહેર કર્યું હતું કે ૬૦ કિગ્રા ફ્રિ-સ્ટાઈલ કેટેગરીમાં સિલ્વર મેડલ વિજેતા રશિયન રેસલર બેસીક કુડુખોવનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોવાથી તેનો મેડલ તે સમયે બ્રોન્ઝ મેડલ જીતનારા ભારતના યોગેશ્વર દત્તને એનાયત કરવામાં આવે. જોકે ભારતીય રેસલર યોગેશ્વરે મહાનતા દર્શાવતા મેડલને બદલે માનવતાને પ્રાધાન્ય આપ્યું છે. યોગેશ્વરનું કહેવું છે કે કુડુખોવ શાનદાર કુસ્તીબાજ હતા અને હવે તેઓ અવસાન પામ્યા છે ત્યારે તેમનો મેડલ ભલે તેમના પરિવારજનો પાસે તેમની સ્મૃતિ સ્વરૂપે સચવાય રહે.
ઉલ્લેખનીય છે કે, ચાર-ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન અને બે વખત ઓલિમ્પિક મેડલિસ્ટ રહી ચુકેલો બેસીક કુડુખોવ ૨૦૧૩માં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. જોકે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (‘વાડા’) પાસે તેના ડોપ ટેસ્ટનું સેમ્પલ હતું, જેના પર ૨૦૧૬ના ઓલિમ્પિક્સ પૂર્વે ફેર પરીક્ષણ કરાયું હતું, જેમાં પ્રતિબંધિત ડ્રગ અંગેનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
કુસ્તીબાજ યોગેશ્વરે ટ્વીટર પર પોતાની લાગણી વ્યક્ત કરતાં લખ્યું કે, બેસીક કુડુખોવ એક શાનદાર પહેલવાન હતા. તેમના મૃત્યુ બાદ તેઓ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હોવાના સમાચાર ખરેખર દુ:ખદ કહેવાય. હું એક ખેલાડી તરીકે તેમનું સન્માન કરું છું. જો શક્ય હોય તો આ મેડલ તેમના પરિવારની પાસે જ રહેવા દેવામાં આવે તો તે તેમના પરિવાર માટે પણ સન્માનજનક કહેવાશે. મારા માટે માનવીય સંવેદનાઓ સર્વોપરી છે.
તાજેતરમાં પૂરા થયેલા રિયો ઓલિમ્પિકમાં યોગેશ્વર દત્તે ૬૫ કિગ્રા વજન વર્ગની ફ્રિ-સ્ટાઈલ કુસ્તીની ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તે પહેલા જ રાઉન્ડમાં હારી જતાં સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયો હતો. જોકે ચાર વર્ષ અગાઉ લંડન ઓલિમ્પિકમાં યોગેશ્વરે ૬૦ કિગ્રા વજન વર્ગની ફ્રિ-સ્ટાઈલ કુસ્તીમાં ભાગ લીધો હતો. જ્યાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય કુસ્તીબાજ યોગેશ્વરનો મુકાબલો રશિયાના કુડુખોવ સામે થયો હતો. કુડુખોવે તેમાં યોગેશ્વર સામે જીત મેળવી હતી. આ પછી રશિયન કુસ્તીબાજ ફાઈનલમાં પ્રવેશ્યો હતો અને આ જ કારણે યોગેશ્વરને રેપચેજમાં તક મળી હતી, જેમાં તેણે શાનદાર દેખાવ કરતાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. યોગેશ્વરે આ દરમિયાન પ્યુર્ટો રિકોના ફ્રેન્કલીન ગોમેઝ, ઈરાનના માસોદ ઇસ્માઈલપોર અને નોર્થ કોરિયાના રી જોંગ-મ્યોંગની સામે જીત મેળવી હતી.
યોગેશ્વર દત્તે અગાઉ આ મામલે કોઈ પણ કોમેન્ટ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે મંગળવારે સાંજે તેણે જણાવ્યું હતું કે, જે લખ્યું હોય તે જ થાય છે. આ સારું છે, ભારતનો વધુ એક વિજય થયો. જોકે તે સમય દરમિયાન ભારતીય કુસ્તીબાજને આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નહોતી. કુસ્તીના વિશ્વ સંગઠન તરફથી ભારતીય કુસ્તી સંઘને આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ પછી ભારતીય કુસ્તી સંઘે આ અંગેની જાહેરાત કરી હતી. યોગેશ્વરને મળેલા સિલ્વરની સાથે ભારતે કુસ્તીમાં બે સિલ્વર મેડલ જીત્યા હોવાનું ઈતિહાસમાં આલેખાયું છે. નોંધપાત્ર છે કે, સુશીલ કુમારે પણ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં કુસ્તીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
પ્રતિભાશાળી રેસલર બેસીક કુડુખોવ
રશિયન રેસલર કુડુખોવ ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુક્યો હતો અને તે બે વખત ઓલિમ્પિક મેડલ પણ જીતી ચૂક્યો હતો. તેણે માત્ર ૨૦ વર્ષની ઉંમરે ૨૦૦૬માં ચીનના ગ્વાંગઝૂમાં રમાયેલી કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૫૫ કિગ્રા વજન વર્ગ ફ્રિ-સ્ટાઈલની ફાઈનલમાં પ્રવેશીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી તેણે ૨૦૦૭માં બાકુમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને ૨૦૦૮ના બૈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કુડુખોવે ૨૦૦૯ની હેર્નિંગ, ૨૦૧૦ની મોસ્કો અને ૨૦૧૧ની ઈસ્તંબુલ ખાતેની ૬૦ કિગ્રા વજન વર્ગની ફ્રિ-સ્ટાઈલ કુસ્તીની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યા હતા. આ પછી ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછીના વર્ષે એક કાર દુર્ઘટનામાં અવસાન થયું હતું.