ઓલ્ડ ટ્રેફર્ડ વન-ડેમાં ઇંગ્લેન્ડનો શાનદાર વિજય

Wednesday 09th September 2015 07:09 EDT
 

માન્ચેસ્ટરઃ ઓલ્ડ ટ્રેફર્ડમાં મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં યજમાન ઇંગ્લેન્ડે ૯૩ રને જ્વલંત વિજય મેળવીને મેચ સાથે વન-ડે સીરિઝ પણ ૩-૦થી કબ્જે કરવાના ઓસ્ટ્રેલિયાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું. પાંચ મેચની શ્રેણીની પહેલી બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો હતો.
ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું હતું. કેપ્ટન મોર્ગનનો આ નિર્ણય યથાર્થ સાબિત થયો હતો અને બેટ્સમેને ઝમકદાર પ્રદર્શન કરતાં આઠ વિકેટે ૩૦૦ રનનો સ્કોર ખડક્યો હતો. ટીમના જંગી જુમલામાં ટેલર સદી (૧૦૧) ઉપરાંત રોય (૬૩) અને મોર્ગન (૬૨)નું મહત્ત્વનું પ્રદાન હતું. ઓસ્ટ્રેલિયાનો કોઇ બોલર ઇંગ્લિશ બેટ્સમેનને અંકુશમાં રાખી શક્યો નહોતો.
ઇંગ્લેન્ડે આપેલા ૩૦૧ રનના પડકાર સાથે મેદાનમાં ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમનો દાવ ૪૪ ઓવરમાં ૨૦૭ રનમાં જ સમેટાઇ ગયો હતો. ફિંચ (૫૩) અને વેડ (૪૩)ને બાદ કરતાં ભાગ્યે જ કોઇ ખેલાડી પીચ પર લાંબો સમય ટકી શક્યા હતા. પ્લેન્કેટ અને અલીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયના પતનમાં મહત્ત્વમાં ભૂમિકા ભજવી હતી. ફિન અને રાશિદે બે-બે વિકેટ ઝડપી હતી.

બીજી વન-ડે

મહેમાન ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડેમાં પણ યજમાન ઇંગ્લેન્ડને હરાવીને પાંચ વન-ડેની સીરિઝમાં ૨-૦થી સરસાઇ મેળવી હતી. શુક્રવારે રમાયેલી સીરિઝની બીજી મેચમાં મિચેલ માર્શે છેલ્લી ઓવર્સમાં ફટકારેલા ઝડપી રન તથા પેટ કમિન્સની ચાર વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને ૬૪ રને હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૪૯ ઓવરમાં સાત વિકેટના નુકસાને ૩૦૯ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરનારી ઇંગ્લેન્ડની ટીમ ૪૨.૩ ઓવરમાં ૨૪૫ રન કરીને આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન સ્મિથે ૭૦ રન ફટકાર્યા હતા જ્યારે મિચેલ માર્શે ઇનિંગ્સના અંતમાં ૩૧ બોલમાં સાત બાઉન્ડ્રી અને ત્રણ સિક્સરની મદદથી ૬૪ રન કર્યા હતા. મેક્સવેલે ૪૯ રનનું યોગદાન આપ્યું હતું.
ઇંગ્લેન્ડે મોટા લક્ષ્યાંકનો પીછો કરતાં શરૂઆત તો મજબૂત કરી હતી, પરંતુ તે મોટી ભાગીદારી નોંધાવવામાં નિષ્ફળ રહ્યું હતું. ઇંગ્લેન્ડ માટે કેપ્ટન મોર્ગને ૮૫ રન કર્યા હતા. જોકે તે ટીમને વિજયપંથે દોરી જવામાં નિષ્ફળ રહ્યો હતો.
દરમિયાન બીજી વન-ડેમાં ડાબા હાથના અંગૂઠામાં ઈજા થવાના કારણે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને શ્રેણીની બાકીની મેચો ગુમાવવી પડી છે.

પ્રથમ વન-ડે

ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ વેડના અણનમ ૭૧ રન અને વોર્નરની અડધી સદી તેમ જ બોલરોની આક્રમક બોલિંગની મદદથી સાઉથ્મ્પ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડ સામે ૫૯ રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વિકેટ ૧૬૪ રને ગુમાવ્યા બાદ ૧૯૩ રને પહોંચતાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ પછી મેથ્યુ વેડે મિચેલ માર્શ સાથે મળી અંતિમ ૧૩ ઓવરમાં ૧૧૨ રન કરીને ટીમનો સ્કોર ૩૦૫ રને પહોંચાડયો હતો. ઓસ્ટ્રેલિયાએ ઘાતક બોલિંગ કરતાં ઇંગ્લેન્ડનો દાવ ૪૫.૩ ઓવરમાં ૨૪૬ રનમાં જ સમેટાયો હતો. ૭૧ રન કરનાર મેથ્યુ વેડ મેન ઓફ ધ મેચ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter