મેલબોર્નઃ ભારતની નંબર વન ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસની જોડીએ વિજયકૂચનો સિલસિલો આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વિમેન્સ ડબલ્સનું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇન્ડો-સ્વિસ ખેલાડીઓએ ગયા વર્ષે જોડી બનાવ્યા બાદ સતત ૩૬મા વિજય સાથે ૧૨મું ટાઇટલ જીત્યું છે અને આ તેમનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ છે. બન્નેએ ૨૦૧૫માં વિમ્બલડન તથા યુએસ ઓપન ટેનિસ ટાઇટલ જીત્યા હતાં.
સાનિયા-હિંગીસની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપનના ટાઇટલ મુકાબલામાં ચેક રિપબ્લિકની લ્યૂસી હાર્ડેકા અને આન્દ્રિયા લાવાકોવાની જોડીને ૭-૬ (૧), ૬-૩થી હરાવીને ડબ્લ્યૂટીએમાં ૩૬મો વિજય મેળવ્યો હતો. સાનિયાનો આ બીજો ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ છે. આ અગાઉ તે ૨૦૦૯માં મહેશ ભૂપતિ સાથે મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બની ચૂકી છે. બન્નેએ ૨૦૧૫માં યુએસ ઓપન બાદ સતત પાંચ ટાઇટલ જીત્યા છે.
અલબત્ત, ઇન્ડો-સ્વિસ જોડી માટે ફાઇનલ આસાન નહોતી અને પ્રથમ સેટમાં હરીફ જોડીએ ભારે પડકાર ફેંક્યો હતો અને સેટમાં કુલ આઠ વખત સર્વિસ બ્રેક થઈ હતી. સ્કોર ૧-૧નો થયા બાદ પ્રત્યેક ખેલાડીની સર્વિસ બે-બે વખત બ્રેક થઈ હતી અને આ સર્વિસ બ્રેકનો સિલસિલો ૧૦મી ગેમ સુધી ચાલ્યો હતો.
સાનિયાની સિદ્ધિ
વિમેન્સ ડબલ્સમાં માર્ટિના હિંગીસ સાથે ૨૦૧૫નો વિમ્બલ્ડન તથા યુએસ ઓપન, ૨૦૧૬નો ઓસ્ટ્રેલિયન ઓપન, ભૂપતિ સાથે ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન તથા ૨૦૧૨માં ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ તથા ૨૦૧૪માં બ્રૂનો સૌરેસ સાથે યુએસ ઓપન જીત્યા છે.
પણ મિક્સ ડબલ્સમાં હાર
વિમેન્સ ડબલ્સમાં હિંગીસ સાથે ચેમ્પિયન બનેલી ભારતની સાનિયા મિર્ઝા અને ક્રોએશિયાના ઇવાન ડોડિંગની જોડીને ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સની સેમિ-ફાઇનલમાં પાંચમો ક્રમાંક ધરાવતી ઇલેના વેસનિના તથા બ્રુનો સૌરેસની જોડી સામે ૫-૭, ૬-૭ (૪)થી પરાજયનો સામનો કરવો પડ્યો.