હોબાર્ટઃ એશિઝ સિરીઝ માથે મંડરાઇ રહી છે ત્યારે જ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સાથી મહિલા કર્મચારીને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલવાના મામલે ટીમ પેઇન સામે ફરી તપાસ શરૂ કરતાં જ તેણે ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. આ મામલો આમ તો ૨૦૧૭નો છે અને તેના કેટલાક મહિના બાદ પેઇનને ટેસ્ટ ટીમમાં પાછા ફરવાની તક મળી હતી. તે સમયે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને તાસ્માનિયા સ્ટેટ એસોસિયેશન દ્વારા પેઇનને ક્લીનચીટ આપવામાં પણ આવી હતી. હવે એશિઝને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જ ફરી તપાસ શરૂ થતાં પેઇનનું રાજીનામું આવી પડ્યું છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ આઠમી ડિસેમ્બરથી બ્રિસબેન ખાતે શરૂ થવાની છે.
તાસ્માનિયાની એક મહિલા કર્મચારીએ દાવો કર્યો હતો કે, પેઇનેએ તેના ગુપ્તાંગ સાથેની કેટલીક તસવીરો તથા અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. આ મહિલાએ ૨૦૧૭માં પોતાની નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ પેઇનને ૨૦૧૮માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બોલ ટેમ્પરિંગના વિવાદ બાદ ટેસ્ટ ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પેઇનનું રાજીનામું સ્વીકારી લીધું છે. જોકે પેઇન ખેલાડી તરીકે ટીમમાં રહેશે.
પેઇન કેમેરા સામે ભાવુક બનીને રડી પડયો
ટિમ પેઇને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન મેન્સ ક્રિકેટ ટેસ્ટ ટીમના સુકાનીપદેથી હું રાજીનામું આપી રહ્યો છું. આ કપરો નિર્ણય છે પરંતુ મારા તથા મારા પરિવાર અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે આ યોગ્ય નિર્ણય છે. લગભગ ચાર વર્ષ પહેલાં મેં તે સમયે સહકર્મચારી રહેલી યુવતીને મેસેજ મોકલ્યા હતા. મેં તે સમયે આ ઘટના માટે માફી માગી હતી અને આજે પણ માગી રહ્યો છું. મેં મારી પત્ની અને મારા પરિવાર સાથે પણ ચર્ચા કરી હતી. રાજીનામાની જાહેરાત કરતી વખતે પેઇને કેમેરા સામે ભાવુક બનીને રડી પડયો હતો.
વિવાદ સાથે જૂનો નાતો
સુકાનીપદેથી રાજીનામું આપનાર ટિમ પેઇનેનો વિવાદો સાથે જૂનો નાતો છે. તે મેદાનમાં ભારતીય ખેલાડીઓ સામે પણ ટકરાયો હતો. ચાલુ વર્ષે જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડયો હતો ત્યારે તેણે સ્પિનર અશ્વિન સામે સિડની ખાતેની ત્રીજી ટેસ્ટ દરમિયાન સ્લેજિંગ કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ પહેલાં ૨૦૧૮માં પર્થ ખાતેની ટેસ્ટમાં પણ પેઇને સુકાની વિરાટ કોહલીને અપશબ્દો કહ્યા હતા. વિવાદ વકરતાં ફિલ્ડ અમ્પાયર ક્રિસ ગોફનીએ હસ્તક્ષેપ કરીને બંને સુકાનીને છૂટા પાડયા હતા.
તો ૬૫ વર્ષમાં પ્રથમ વખત બોલર ટીમનું નેતૃત્વ કરશે
ટિમ પેઇને એશિઝ પહેલાં કેપ્ટનશિપપદેથી આપેલા રાજીનામા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ઐતિહાસિક ફેરફાર થાય તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયાએ એશિઝ માટે નવા સુકાનીની જાહેરાત કરવી પડશે અને આ માટે પેટ કમિન્સ પ્રબળ દાવેદાર છે. કમિન્સ હાલમાં ટીમનો ઉપસુકાની છે. જો કમિન્સને સુકાની બનાવવામાં આવશે તો તે ૬૫ વર્ષમાં ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરનાર પ્રથમ બોલર બની જશે.
કમિન્સ ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેય ફોર્મેટમાં રમે છે. તે અત્યાર સુધીમાં ૩૦ ટેસ્ટ, ૬૯ વન-ડે તથા ૩૭ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટિમ પેઇને ઓસ્ટ્રેલિયાના ૦૬મો ટેસ્ટ સુકાની હતો અને જો તક મળશે તો પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાનો ૦૭મો ટેસ્ટ સુકાની બનશે. ૨૮ વર્ષીય કમિન્સ ઓસ્ટ્રેલિયન બોર્ડની પ્રથમ પસંદગી રહશે જેનો અનુભવ તથા વય નેતૃત્વ માટે પરફેક્ટ છે.