મેલબોર્નઃ ક્રિકેટમાં રંગભેદની સમસ્યા નવી નથી અને હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ ઘટસ્ફોટ કર્યો છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મેળવતા પહેલાં મારે ઘણી વખત રંગભેદની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ખ્વાજાએ જણાવ્યું હતું કે ટીમના સિલેક્શન પહેલાં મને એવું કહેવામાં આવ્યું હતું કે તારી ત્વચાનો (ચામડી) રંગ યોગ્ય નથી અને તું ક્યારેય ઓસ્ટ્રેલિયા તરફથી રમી શકીશ નહીં. મને એવું પણ કહેવામાં આવતું હતું કે તું ફિટ નથી. જ્યારે હું ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે મારે ઘણી વખત આ પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ખ્વાજાએ ૨૦૧૧ની એશિઝ શ્રેણીની સિડની ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને કાંગારું ટીમનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ મુસ્લિમ ખેલાડી બન્યો હતો. જોકે ખ્વાજાએ જણાવ્યું હતું કે હવે માનસિકતા બદલાઈ છે અને પહેલાં જેવી પરિસ્થિતિ રહી નથી.