લંડનઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રાયન હેરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત જાહેર કરી છે. હેરિસ હાલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની સાથે એશિઝ પ્રવાસે છે. જોકે ડાબા ઘૂંટણની ઈજાના કારણે ઓસ્ટ્રેલિયાએ તેને એસેક્સ સામેની આખરી પ્રેકિટ્સ મેચ માટેની ટીમમાં સ્થાન આપ્યું નહોતું. તેના ઘૂંટણમાં સોજો હતો અને તેની ઈજા ગંભીર હતી. ઈજાના કારણે એશિઝ ટેસ્ટ શ્રેણી ગુમાવવાથી વ્યથિત થઇને તેણે અચાનક આ નિર્ણય લઈ લીધો હતો.
હેરિસે કહ્યું કે સ્કેનિંગનો રિપોર્ટ જાણ્યા બાદ મેં મારા પરિવાર અને મિત્રોની સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ મેં નિર્ણય લીધો કે ક્રિકેટમાંથી વિદાય લેવાનો આ યોગ્ય સમય છે. હું ભાગ્યશાળી રહ્યો કે મને ઓસ્ટ્રેલિયા તરફથી ૨૭ ટેસ્ટ રમવાની તક મળી છે. હાલની ઓસ્ટ્રેલિયન ટીમ વિશિષ્ટ પ્રતિભા ધરાવનારી છે. મને વિશ્વાસ છે કે તેઓ એશિઝમાં ઓસ્ટ્રિલયને ગૌરવ અપાવશે.
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર હેરિસ હાલમાં આઈસીસીના બોલર્સ રેન્કિંગમાં ચોથા ક્રમે છે. તેને ૨૦૧૦માં ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય પ્રવેશ મળ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા તરફથી ૨૭ ટેસ્ટમાં ૨૩,૫૨ની સરેરાશથી ૧૧૩ વિકેટ ઝડપી હતી. તેણે એશિઝની ૯ ટેસ્ટમાં ૪૬ વિકેટ ઝડપી હતી. જ્યારે ફેબ્રુઆરી ૨૦૧૨માં તેણે વન-ડે પ્રવેશ મેળવ્યો હતો અને ૨૧ વન-ડેમાં ૪૪ વિકેટ ઝડપી હતી.