મેલબોર્નઃ વિવાદના વંટોળ વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણી તો પૂરી થઇ ગઇ છે, પરંતુ આરોપો અટકતા નથી. હવે ઓસ્ટ્રેલિયન મીડિયાએ ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ઘમંડી અને સ્તરહીન ગણાવ્યો છે. ધર્મશાલામાં શ્રેણી પૂરી થયા બાદ કોહલીએ નિવેદન કર્યું હતું કે હવે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને પોતાના મિત્રો માનતો નથી. કોહલીના આ નિવેદન અંગે ઓસ્ટ્રેલિયન મીડિયાએ કાગારોળ મચાવી છે.
‘સિડની ટેલિગ્રાફ’એ લખ્યું છે કે શ્રેણી પૂરી થયા બાદ વિરાટ કોહલીએ કાંગારું ખેલાડીઓ સાથે હાથ મિલાવીને જૂની વાતો ભૂલી જવી જોઇએ, પરંતુ તે બાળકોની જેમ વ્યવહાર કરે છે. તે ઘમંડીની જેમ વર્તણૂંક કરે છે.
એક અન્ય અખબારે લખ્યું છે કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન દ્વારા શ્રેણી પૂરી થયા બાદ ડ્રિંક્સની ઓફર કરી અને ભારતે તે નકારી છે તેની સાથે જ બન્ને ટીમોના ખેલાડીઓ વચ્ચેના સંબંધો વણસી ગયા છે તે બાબતને સમર્થન મળી ગયું હતું. કોહલીનું વલણ સ્તરહીન રહ્યું હતું. મીડિયાએ કોહલી અને સ્મિથની વર્તણૂકની તુલના કરીને જણાવ્યું હતું કે આક્રમક રમાયેલી શ્રેણી બાદ સ્મિથે તમામની માફી પણ માગી હતી. સ્મિથે જેમ કર્યું હતું તેમ કોહલીએ માત્ર ‘સોરી’ કહેવાની જરૂર હતી.
કોહલીનું નિવેદન નિરાશાજનક: લેહમેન
ઓસ્ટ્રેલિયન કોચ ડેરેન લેહમેને જણાવ્યું હતું કે કોહલીનું નિવેદન નિરાશાજનક છે. તેમ છતાં તેનો અભિપ્રાય છે. ભારતના અન્ય ખેલાડીઓનો અભિપ્રાય કોહલી જેવો જ હોય તેમ મને લાગતું નથી. રહાણેના નેતૃત્વથી હું પ્રભાવિત થયો છું. સ્મિથે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે બેટિંગ કરતી વખતે બ્રેડમેન જેવો દેખાય છે. અમે બે ટેસ્ટ મેચમાં ખરાબ રમ્યા હતા અને છેલ્લી ટેસ્ટમાં ૧૦૦ રન ઓછા બનાવી શક્યા હતા, પરંતુ હું મારી ટીમના પ્રદર્શનથી સંતુષ્ટ છું.
ઓસ્ટ્રેલિયન્સ હવે મિત્રો નથીઃ કોહલી
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન મેદાનની અંદર અને બહાર ટાર્ગેટ બનેલા કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે હવે હું ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને મારા મિત્રો માનતો નથી. નોંધનીય છે કે ડીઆરએસ 'બ્રેન ફેડ' પ્રકરણ બાદ કોહલીએ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથને ચીટર કહી દીધો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના વર્તમાન તથા ભૂતપૂર્વ ક્રિકેટરો સાથે તેમના મીડિયાએ પણ કોહલીને ટાર્ગેટ બનાવ્યો હતો. તેની તુલના અમેરિકાના વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ કરવામાં આવી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઇઓ જેમ્સ સધરલેન્ડે જણાવ્યું હતું કે કોહલીને કદાચ સોરી શબ્દનો સ્પેલિંગ પણ નહીં આવડતો હોય. શું તે ઓસ્ટ્રેલિયન ટીમને હજુ પોતાની દોસ્ત માને છે તેવા પ્રશ્નનો જવાબ નકારમાં આપતા કોહલીએ જણાવ્યું હતું કે ‘હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. તનાવ દરમિયાન તમે પ્રતિસ્પર્ધી થઇ જાવ છો, પરંતુ તેમણે મને ખોટો સાબિત કર્યો છે. હવે હું ભૂલ કરીશ નહીં.’
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે કોઇ અમારી ટીમને વિના કારણે અકળાવે છે તો અમે તેનો અનુકૂળ વળતો જવાબ આપીએ છીએ. મેચમાં અમારું પલડું ભારે હોય કે નહીં અમે વળતો જવાબ આપવા માટે તૈયાર રહીએ છીએ.
ઓસ્ટ્રેલિયન મીડિયાએ પૂરી શ્રેણી દરમિયાન કોહલીને ટાર્ગેટ બનાવ્યો છે, પરંતુ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે મને તેમની પરવા નથી. કેટલાક લોકો વિશ્વના કોઇ ખૂણામાં બેસીની સનસનાટી મચાવવા માગતા હોય છે. ઘરે બેસીને લખવું અને મેદાનમાં ઉતરીને રમવું તેમાં આસમાન જમીનનો ફરક હોય છે.
કોહલીએ જણાવ્યું હતું કે જ્યારે વર્તમાન ટીમ વિદેશની સિઝનમાં જીતશે ત્યારે અમને વધારે આનંદ થશે. ટીમે પોતાની સિદ્ધિ પર વધારે ઉત્સાહિત થવાની જરૂર નથી. અમે નંબર-૧ રેન્કિંગ મેળવીને ખુશ થયા છીએ પરંતુ અમારી અસલી કસોટી હવે શરૂ થવાની છે. પાંચ બોલર્સ સાથે રમવાની રહાણેની રણનીતિ પણ સફળ રહી હતી.
આઇપીએલની પ્રારંભિક મેચો ગુમાવશે
ખભાની ઇજાના કારણે કોહલી પાંચમી એપ્રિલથી રમાનારી આઇપીએલ ટ્વેન્ટી-૨૦ લીગની શરૂઆતની કેટલીક મેચો ગુમાવશે. તેને ઇજામાંથી સંપૂર્ણ મુક્ત થવામાં કેટલાક સપ્તાહનો હજુ સમય લાગશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું નેતૃત્વ કરનાર કોહલીએ જણાવ્યું હતું કે મને સંપૂર્ણ ફિટ થવા માટે કેટલોક સમય જોઇશે. ઇજા કારકિર્દીનો એક હિસ્સો હોય છે.