જોહાનિસબર્ગઃ ડેવિડ વોર્નર તથા ગ્લેન મેક્સવેલની ૧૬૧ રનની ભાગીદારી વડે ઓસ્ટ્રેલિયાએ બીજી ટી૨૦ મેચમાં ભારે રસાકસી બાદ છેલ્લા બોલે સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવ્યું હતું. રવિવારે રમાયેલી આ મેચમાં વિજય સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ૧-૧થી સરભર કરી હતી. સાઉથ આફ્રિકાના સાત વિકેટે ૨૦૪ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરના છેલ્લા બોલે પાંચ વિકેટે ૨૦૫ રન કરીને વિજય મેળવ્યો હતો.
અઘરા લક્ષ્યાંક સાથે મેદાને પડેલા ઓસ્ટ્રેલિયાએ નબળી શરૂઆત કરતા ૩૨ રનના સ્કોરે ફિન્ચ (૨), વોટસન (૯) તથા સ્મિથ (૧૯)ની વિકેટ ગુમાવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા તરફથી ટી૨૦માં સર્વશ્રેષ્ઠ ભાગીદારી કરનાર વોર્નર તથા મેક્સવેલ ટીમને વિજય તરફ દોરી ગયા હતા. વોર્નરે ૪૦ બોલમાં છ બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર વડે ૭૭ અને મેક્સવેલે ૪૩ બોલમાં સાત બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૭૫ રન કર્યા હતા. અગાઉ સાઉથ આફ્રિકા તરફથી કોકે ૪૪ તથા ડુ પ્લેસિસે ૪૧ બોલમાં સર્વાધિક ૭૯ રન બનાવ્યા હતા.