મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર રોડની માર્શનું નિધન થયું છે. તેઓ 74 વર્ષના હતા અને ગયા સપ્તાહે હાર્ટએટેક આવ્યા બાદ તેઓ કોમામાં સરી પડયા હતા. રોડની માર્શે 1970થી 1984ના ગાળામાં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ મેચ રમી હતી અને તેમણે ટેસ્ટ કારકિર્દીમાં 355 શિકાર ઝડપ્યા હતા, જે તેમના નિવૃત્તિના સમયે એક વર્લ્ડ રેકોર્ડ હતો. તેમનો આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ ઇયાન હિલીએ (395) તોડયો હતો. માર્શે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં 92 વન-ડે પણ રમી હતી. રોડની માર્શ વર્તમાન સમયમાં પણ સૌથી સફળ વિકેટકીપર્સની યાદીમાં હજુ પણ ટોપ-5માં સામેલ છે. તે 355 શિકાર સાથે આ યાદીમાં ચોથા ક્રમે છે. માર્ક બાઉચર 555 શિકાર સાથે પ્રથમ, ગિલક્રિસ્ટ 416 શિકાર સાથે બીજા, હિલી ત્રીજા ક્રમે અને ધોની 294 શિકાર સાથે પાંચમા ક્રમે છે.
વિન્ડિઝના સ્પિનર સોની રામદીનનું નિધન
જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામદીનનું ૯૨ વર્ષની વયે પહેલી માર્ચે નિધન થયું છે. સોની રામદિને 1950માં ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 43 ટેસ્ટમાં 28.98ની એવરેજથી 158 વિકેટ લીધી છે. તેમણે લોર્ડ્સમાં રમાયેલી મેચમાં 152 રન આપી 11 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે 1950ની તે શ્રેણી 3-1થી જીતી હતી. તેમણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં એક દાવમાં 98 ઓવર ફેંકી હતી. તેમણે કુલ 588 બોલ ફેંક્યા હતા અને આ બંને વર્લ્ડ રેકોર્ડ પણ છે.