સિડનીઃ કોણ કહે છે કે ટેસ્ટ મેચમાં રોમાંચ કે રસાકસી નથી રહ્યા? ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એશિઝ સીરિઝની સિડની ટેસ્ટ છેલ્લા બોલ સુધી ઉત્તેજનાપૂર્ણ રહ્યા બાદ ડ્રોમાં પરિણમી એ તેનું જીવંત ઉદાહરણ છે. સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનના રૂપમાં છેલ્લી જોડી મેદાન પર હતી અને ઓસ્ટ્રેલિયન ટીમ - અનેક પ્રયાસો છતાં - છેલ્લી વિકટે ઝડપી શકી નહીં. અને યજમાન ટીમ ફક્ત એક વિકેટના અંતર સાથે વિજયથી વિમુખ રહી ગઈ.
બીજી તરફ, ઈંગ્લેન્ડની ટીમ હારતા હરતા પોતાની ઇજ્જત બચાવવામાં સફળ રહી. ૩૮૮ રનના જીતના લક્ષ્યાંકનો પીછો કરતાં મહેમાન ટીમે નવ વિકેટે ૨૭૦ રન નોંધાવ્યા હતા. જેમ્સ એન્ડરસન છ બોલમાં શૂન્ય રને અને સ્ટુઅર્ટ બ્રોડ ૩૫ બોલમા આઠ કરીને અણનમ રહ્યા હતાં.
જોની બેરસ્ટો ૪૧ રન બનાવીને આઉટ થયો તે પછી લાગતું હતું કે હવે તો બાજી ઓસ્ટ્રેલિયાના હાથમાં જ છે. જેક લીચના રૂપમાં નવમી વિકેટ પડી ત્યારે તો બધા ક્રિકેટ ચાહકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતાં. જોકે ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ વચ્ચે ઘેરાયેલા સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનને છેલ્લી ઓવર્સ રમી કાઢી હતી અને મેચને રોમાંચક ડ્રો કરાવીને ઇંગ્લેન્ડની ઇજ્જત બચાવી હતી.
ઇંગ્લેન્ડે સિડની ટેસ્ટના પાંચમા અને છેલ્લા દિવસે નવ વિકેટે ૨૭૦ રન નોંધાવ્યા હતા. બંને ઇંનિંગમાં સદી ફટકારનાર ખ્વાજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા અગાઉ જ ૩-૦થી આ સીરિઝ જીતી ચૂક્યું છે. સીરિઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ ૧૪ જાન્યુઆરીથી રમાશે.