બર્મિંગહામઃ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી હાઈ પ્રોફાઈલ એશિઝ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને ઓવરકોન્ફિડન્સ નડી ગયો છે. અતિ રોમાંચક બનેલી ત્રીજી ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડે માત્ર ત્રણ જ દિવસમાં ઓસ્ટ્રેલિયાને કચડીને વિજય હાંસલ કર્યો છે. આ સાથે જ ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટની સિરીઝમાં ૨-૧ની સરસાઇ મેળવી છે.
ત્રીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં માત્ર ૧૩૬ રનનો મામુલી સ્કોર કરીને ઓલઆઉટ થનાર ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને પહેલી ઈનિંગમાં ૨૮૧ રને અટકાવ્યું હતું. બીજા દિવસે ઓસ્ટ્રેલિયા ૨૬૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આમ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડ સામે માત્ર ૧૨૧ રનનો મામૂલી ટાર્ગેટ હતો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ વોર્નર (૭૭), નેવિલ (૫૯) અને સ્ટાર્ક (૫૮)ની મદદથી ૨૬૫ રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેનો સફળ રહ્યા નહોતા.
ઈંગ્લેન્ડની ટીમે જાણે બીજી ટેસ્ટના કારમા પરાજયનો બદલો વાળવો હોય તે રીતે ઘાતક બોલિંગ અને સાતત્યપૂર્ણ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાનો પરાજય નિશ્ચિત કર્યો હતો.
પહેલી ઈનિંગમાં એન્ડરસને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર હુમલો કર્યો હતો. તેણે ઘાતક બોલિંગ દ્વારા માત્ર ૧૪ ઓવરમાં માત્ર ૪૭ રન આપીને ઓસ્ટ્રેલિયાના છ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા હતા. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ રમવાનો પ્રયાસ કર્યો હતો, પણ આ વખતે ફીન ત્રાટક્યો હતો અને તેણે છ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો.