ઓસ્ટ્રેલિયામાં ચેતેશ્વર પુજારા ચમક્યોઃ ટેસ્ટમાં ૫૦૦૦ રન, સદીમાં ગાંગુલીની બરાબરી

Friday 07th December 2018 07:38 EST
 
 

એડીલેડઃ ભારતના આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટોપ ઓર્ડરના ધબડકા વચ્ચે નિર્ણાયક બેટીંગ કરતાં ૧૨૩ રનની ક્લાસિક ઈનિંગ રમી છે. આ સાથે તેણે કારકિર્દીની ૧૬મી સદી ફટકારી છે. પુજારાએ તેની ઈનિંગ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦૦ રન પૂરા કરવાની સિદ્ધિ પણ મેળવી છે.
સૌરાષ્ટ્રના વતની ૩૦ વર્ષના પુજારાએ કારકિર્દીની ૬૫મી ટેસ્ટમાં ૧૬મી સદી પુરી કરવા માટે ૨૩૧ બોલ રમ્યો હતો. આ સદી સાથે તેણે ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના લેજન્ડરી કેપ્ટન ગાંગુલીની બરાબરી કરી છે. ગાંગુલીએ ૧૩૩ ટેસ્ટની કારકિર્દીમાં ૧૬ ટેસ્ટ સદી ફટકારી હતી. પુજારા અને ગાંગુલીની સાથે સાથે ઈંગ્લેન્ડનો માઈક આથર્ટન, ગ્રેહામ થોર્પ, હેબર્ટ શટક્લિફ, શ્રીલંકાનો માર્વન અટ્ટપટ્ટુ અને તિલકરત્ને દિલશાન તેમજ વિન્ડિઝનો રિચી રિચાર્ડસન પણ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં ૧૬-૧૬ સદી ફટકારી ચૂક્યા છે.
આ ઉપરાંત પુજારાએ એશિયાની બહાર ટેસ્ટમાં પ્રથમ દિવસે જ સદી ફટકારનાર છઠ્ઠા ભારતીય ક્રિકેટર તરીકે પણ નામ નોંધાવ્યું છે. આ અગાઉ વિજય માંજરેકર, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી અને મુરલી વિજય આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ટેસ્ટ શરૂ થઈ ત્યારે પુજારા ૫૦૦૦ રનના માઈલસ્ટોનથી ૯૫ રન દૂર હતો. તેણે ૧૨૩ રનની ઈનિંગ દરમિયાન આ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.

દ્રવિડ-પુજારાના રેકોર્ડમાં રસપ્રદ સામ્યતા

દ્રવિડને તેની ધૈર્યપૂર્ણ અને ટીમને મુશ્કેલીમાંથી ઉગારતી બેટીંગ બદલ ‘ધ વોલ’નું ઉપનામ મળ્યું હતું. તેની નિવૃત્તિ બાદ પુજારાને ચાહકોએ ‘ધ વોલ’ તરીકે બિરદાવ્યો છે. દ્રવિડ અને પુજારાના રેકોર્ડ વચ્ચે રસપ્રદ સામ્યતા જોવા મળી છે. દ્રવિડે કારકિર્દીમાં ૩૦૦૦, ૪૦૦૦ અને ૫૦૦૦ રન પુરા કરવા માટે જેટલી ઈનિંગ લીધી હતી, તેટલી જ ઈનિંગ પુજારાએ પણ આ માઈલસ્ટોન્સને હાંસલ કરવામાં લીધી છે. દ્રવિડ અને પુજારાએ ૩૦૦૦ રન ૬૭મી ઈનિંગમાં, ૪૦૦૦ રન ૮૪મી ઈનિંગમાં અને ૫૦૦૦ રન ૧૦૮મી ઈનિંગમાં પુરા કર્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter