એડિલેડઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડનો તખતો તૈયાર થઇ ગયો છે. આ રાઉન્ડમાં બન્ને ગ્રૂપની ચાર-ચાર ટીમો ટકરાશે. ક્યા દેશની ટીમે કઇ ટીમને પરાજય આપીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે તેના લેખાંજોખાં અહીં રજૂ કર્યા છે.
પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલમાં
એડિલેડઃ બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ વિકેટકીપર બેટ્સમેન સરફરાઝ અહેમદે વન-ડે ક્રિકેટમાં નોંધાવેલી પોતાની પ્રથમ સદીની મદદથી પાકિસ્તાને ૧૫ માર્ચે રમાયેલા વર્લ્ડ કપના ગ્રૂપ-બીના છેલ્લા મુકાબલામાં આયર્લેન્ડને સાત વિકેટે હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે તેનો મુકાબલો ૨૦ માર્ચે એડિલેડમાં ચાર વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે. પાકિસ્તાને આ મેચમાં વિજય સાથે ૨૦૦૭ના વર્લ્ડ કપમાં આયર્લેન્ડે આપેલા કડવા પરાજયનો હિસાબ પણ સરભર કર્યો હતો. આયર્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના પણ સરખા પોઇન્ટ થયા હતા, પરંતુ રનરેટની ગણતરીમાં આયર્લેન્ડની ટીમ પાછળ રહી જતાં તે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર આયર્લેન્ડની ટીમ ૨૩૭ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાને ૪૬.૧ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મેન ઓફ ધ મેચ સરફરાઝે ૧૨૪ બોલમાં છ બાઉન્ડ્રી વડે અણનમ ૧૦૧ રનની ઇનિંગ્સ રમી હતી.
વેસ્ટ ઇન્ડિઝની પણ આગેકૂચ
નેપિયરઃ ૧૫ માર્ચે રમાયેલી એક અન્ય મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા કેપ્ટન જેસન હોલ્ડરે ચાર વિકેટ ઝડપ્યા બાદ બેટ્સમેનોએ મહત્ત્વનું યોગદાન આપતાં વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપની લીગ મેચમાં યુએઇને સાત વિકેટે આસાન પરાજય આપ્યો હતો. યુએઇએ પ્રથમ બેટિંગ કરતાં ૪૭.૪ ઓવરમાં ૧૭૫ રન કર્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ૩૦.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૭૬ રન કરીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ વેસ્ટ ઇન્ડિઝે ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું હતું.
ટીમ ઇંડિયાનો વિક્રમજનક વિજય
ઓકલેન્ડઃ સુરેશ રૈનાની શાનદાર અણનમ સદી (૧૧૦) તથા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ ૮૫ રનની મદદથી ભારતે વર્લ્ડ કંપની છેલ્લી લીગ મેચમાં ઝિમ્બાબ્વેને છ વિકેટે આસાનીથી હરાવીને ગ્રૂપ-બીમાં ટોચનું સ્થાન જાળવ્યું છે. ૧૪ માર્ચે રમાયેલી આ મેચમાં ભારતે ૪૮.૫ ઓવરમાં ૨૮૮ રનનું લક્ષ્ય પાર પાડ્યું હતું. આ સાથે ટીમે વર્લ્ડ કપમાં સૌથી જંગી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. અગાઉ ઝિમ્બાબ્વેની ટીમે બ્રેન્ડન ટેલરના શાનદાર ૧૩૮ રનની મદદથી ૪૮.૫ ઓવરમાં ૨૮૭ રન બનાવ્યા હતા. આ સાથે ગત વખતની વિજેતા ટીમે બે વર્લ્ડ કપમાં સતત ૧૦ વિજય સાથે રેકોર્ડ કર્યો હતો. અગાઉ ક્લાઇવ લોઈડની વેસ્ટ ઇન્ડિઝની ટીમે ૧૯૭૫ અને ૧૯૮૩માં કપિલ દેવની ભારતીય ટીમ સામે ઓલ્ડ ટ્રેફર્ડ પર હારતાં પહેલા સતત નવ વિજય મેળવ્યા હતા.
વરસાદના વિઘ્ન વચ્ચે ઓસ્ટ્રેલિયા જીત્યું
હોબાર્ટઃ અહીં ૧૪ માર્ચે રમાયેલી મેચમાં ડાબોડી પેસ બોલર સ્ટાર્કની વેધક બોલિંગ (૪/૧૪)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ ગ્રૂપ-એની છેલ્લી લીગ મેચમાં સ્કોટલેન્ડ સામે સાત વિકેટે આસાનીથી વિજય મેળવીને ગ્રૂપમાં બીજું સ્થાન મેળવ્યું હતું. કેપ્ટન મિચેલ ક્લાર્કે પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ સ્કોટલેન્ડની ઇનિંગ માત્ર ૨૫.૪ ઓવરમાં ૧૩૦ રનમાં સમેટી હતી. મેચના ૨૦૮ બોલ બાકી હતા ત્યારે વિજયી લક્ષ્ય હાંસલ કર્યું હતું. વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલી આ મેચમાં વોર્નરને નીચલા ક્રમે ઊતારીને ઇનિંગ્સની શરૂઆત કરતા ક્લાર્કે ૪૭ બોલમાં ૪૭ રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત આપી હતી. તેણે સાત બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી. તેણે શેન વોટસન (૨૪) સાથે બીજી વિકેટની ભાગીદારીમાં ૫૮ રન ઉમેરી ટીમનો વિજય પાક્કો કર્યો હતો.
ન્યૂ ઝીલેન્ડ હારતા હારતા જીત્યું
હેમિલ્ટનઃ ન્યૂ ઝીલેન્ડે ૧૩ માર્ચે હેમિલ્ટનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો. બાંગ્લાદેશ તરફથી મળેલા ૨૮૯ રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂ ઝીલેન્ડે ૪૮.૫ ઓવરમાં સાત વિકેટે ૨૯૦ રન કર્યા હતા. પડકારજનક જુમલાનો પીછો કરવા ઊતરેલી ન્યૂ ઝીલેન્ડ શરૂઆતની બે વિકેટ બહુ જલ્દી ગુમાવી હતી. જોકે માર્ટિન ગુપ્ટિલ (૧૦૫ રન) અને રોઝ ટેલર (૫૬ રન)ની સદીની ભાગીદારીએ બાજી સંભાળી લીધી હતી. મેન ઓફ ધ મેચ ગુપ્ટિલે ૧૦૫ રન કર્યા હતા. આઉટ થનારો પહેલો બેટસમેન બ્રેન્ડન મેક્કુલમ હતો જેણે આઠ રન કર્યા હતા. કેન વિલિયમ્સન્ પણ કંઈ ખાસ ન કરી શક્યો અને એક રનના વ્યક્તિગત સ્કોરે શાકીબ અલ હસનના બોલે તામિલ ઇકબાલને કેચ આપી બેઠો હતો. ત્રીજી વિકેટ ગુપ્ટિલની ગુમાવી હતી, જે શાકીબ અલ હસનના બોલે સૌમ્ય સરકારના હાથમાં ઝિલાઈ ગયો હતો. બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ હસને ચાર વિકેટ લીધી હતી. નાસિર હુસેનને બે વિકેટ મળી હતી. આ પહેલા બાંગ્લાદેશે મહમદુલ્લાહની ઐતિહાસિક સદી (૧૨૮ રન)ની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં ૨૮૮ રનનો સ્કોર કર્યો હતો. મહમદુલ્લાહે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. એ સમયે તે વર્લ્ડ કપમાં સદી ફટકારનારો બાંગ્લાદેશનો પહેલો ખેલાડી બન્યો હતો. આ વખતે તેણે વિક્રમને વધુ મજબૂત બનાવ્યો છે.
અને ઇંગ્લેન્ડની વિજય સાથે વિદાય
સિડનીઃ ઇંગ્લેન્ડે ૧૩ માર્ચે વર્લ્ડ કપની ગ્રૂપ-એની વરસાદથી ખોરવાયેલી મેચમાં અફઘાનિસ્તાનને ડકવર્થ-લૂઈ પદ્ધતિના આધારે નવ વિકેટે પરાજય આપ્યો હતો. વરસાદના વિઘ્ન વચ્ચે અફઘાનિસ્તાને ૩૬.૨ ઓવરમાં સાત વિકેટે ૧૧૧ રન કર્યા હતા. આ પછી ઇંગ્લેન્ડને ૨૫ ઓવરમાં ૧૦૧ રનનું નવું લક્ષ્ય મળ્યું હતું, જે તેણે ૪૧ બોલ બાકી હતા ત્યારે એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. ઇંગ્લેન્ડનો છ મેચોમાં આ બીજો વિજય છે અને તે માત્ર ચાર પોઇન્ટ સાથે પાંચમા સ્થાને રહીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગયું છે.