અમદાવાદઃ રમતગમતનો મહાકુંભ એટલે ઓલિમ્પિક રમતોત્સવ. દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે એક વાર તો ઓલિમ્પિક મેડલ જીતવો. પછી તે ગોલ્ડ મેડલ હોય, સિલ્વર મેડલ હોય કે બ્રોન્ઝ મેડલ. અત્યાર સુધી દરેક યજમાન દેશ આ માટે જરૂરી સોનું, ચાંદી અને કાંસુ આપીને મેડલ તૈયાર કરાવતો હતો. પરંતુ જો કોઇ તમને એમ કહે કે ટોક્યો ઓલિમ્પિકમાં અપાયેલા ત્રણેય કેટેગરીના મેડલ કચરામાંથી બનાવાયા છે તો?! આ જાણીને તમને આંચકો જરૂર લાગશે, પરંતુ આ જ હકીકત છે. ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોએ પર્યાવરણ પ્રત્યે વિશ્વભરના લોકોમાં જાગ્રતિ આણવા આ પહેલ કરી હતી.
જાપાનની ઓલિમ્પિક આયોજક સમિતિએ અનોખો અભિગમ અપનાવતા ૨૦૧૭માં જ ઓલિમ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. તે સમયે જ ઠરાવ પસાર કરેલો કે પર્યાવરણ પરત્વે જાગ્રતિ આવે તેમજ વૈકલ્પિક સ્ત્રોત અને ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તેમ ઓલિમ્પિક રમતોત્સવ યોજવો.
આ યોજના અંતર્ગત એવું પણ નક્કી કર્યું કે દુનિયાભરમાં આજે પર્યાવરણનું જતન ચિંતાનો મુદ્દો બન્યો છે ત્યારે ઇ-વેસ્ટની વિકરાળ બની રહેલી સમસ્યાની ઉપેક્ષા થઇ શકે તેમ નથી. મોબાઇલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, મેમરી હાર્ડ ડિસ્ક વગેરે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના ભંગારમાંથી મેડલ બનાવવામાં આવે. આ માટે બગડી ગયેલા સેલફોન, લેપટોપ, કમ્પ્યુટર, ઓડિયો-વીડિયો ઉપકરણોનો લાખો ટન ભંગારનો સદુપયોગ કરવાનું નક્કી થયું. અત્યાર સુધી એમ જ વેડફાતો ઇ-વેસ્ટ એકત્ર કરવાનું નક્કી થયું. આ ટનબંધ ભંગારો ઓગાળી તેમજ તેની જે પણ ચીપ, સેમી કન્ડક્ટર્સ, સરકિટ કે અન્ય પાર્ટસને પ્રોસેસ કરવાથી સોના, ચાંદી, કાંસા જેવી કિંમતી ધાતુ મેળવવાની પ્રોસેસ નક્કી થઇ.
૨૦૧૭માં જાપાન સરકારે નાગરિકોને અપીલ કરી કે તેઓ તેમના બગડી ગયેલા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો નજીકની પાલિકાની ઓફિસમાં ઉભા કરવામાં આવેલા કલેક્શન સેન્ટરમાં જમા કરાવે. દેશભરમાં આવા ૧૬૦૦ જેટલા સેન્ટર ઉભા કરવામાં આવ્યા. બે વર્ષમાં ૭૮,૯૮૫ ટન ઇ-વેસ્ટ ભેગો થયો જેમાં ૬૨ લાખ જેટલા તો મોબાઇલ ફોન જ હતા. પ્રોસેસ બાદ ૩૨ કિલો સોનું, ૩૫૦૦ કિલો ચાંદી અને ૨૨૦૦ કિલો કાંસુ મેળવવામાં આવ્યું.
જાપાનના પર્યાવરણના નિષ્ણાતોએ એવું પણ તારણ કાઢ્યું કે, ૪૦ મોબાઇલ ફોનમાંથી એક ગ્રામ સોનું મળી શકે. ઇ-વેસ્ટ નહીં આ રીતે હજારો ટન જુદા જુદા ભંગારના ઉકરડામાંથી વૈકલ્પિક ઊર્જા, બાય પ્રોડક્ટ મળી શકે છે. પેરિસમાં યોજાનારી આગામી ૨૦૨૪ની ઓલિમ્પિકમાં પણ આ જ રીતે મેડલ બનશે તેમજ સોલાર પ્રોજેક્ટથી ઊર્જા, વીજળી પેદા કરાશે. ફ્યુઅલ પણ ઇકો ફ્રેન્ડલી અને રિસાયકલ હશે.