દોહાઃ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સાઇખોમ મીરાબાઈ ચાનૂએ છઠ્ઠી કતાર ઇન્ટરનેશનલ કપના ૪૯ કિલોગ્રામ વેઇટ ગ્રૂપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું છે. ચાનૂએ ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ૧૯૪ કિલોગ્રામ વજન ઉંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ પોઈન્ટ ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલ રેન્કિંગમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાય થવા માટે એક વેઇટલિફ્ટરને છ મહિનાની ત્રણ તારીખોમાંથી (નવેમ્બર ૨૦૧૮થી એપ્રિલ ૨૦૨૦ સુધી) પ્રત્યેકમાં ઓછામાં ઓછી એક ટૂર્નામેન્ટ તથા કુલ છ સ્પર્ધામાં ભાગ લેવાનો હો છે. આ ઉપરાંત ખેલાડીઓએ કોઈ પણ એક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેતો હોય છે.
મણિપુરની આ વેઇટલિફ્ટરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૦૧ કિલોગ્રામનું છે. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ ચાનૂએ સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં એક જ ક્લીન લિફ્ટ કરી શકી હતી. તેણે સ્નેચમાં ૮૩ કિલોગ્રામ તથા ક્લીન એન્ડ જર્કમાં ૧૧૧ કિલોગ્રામ વજન ઊંચક્યું હતું. તે ઈજાના કારણે ૨૦૧૮માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ તથા એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકી નહોતી.