કબડ્ડી... કબડ્ડી... કબડ્ડી... અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપ

Friday 07th October 2016 06:11 EDT
 
 

અમદાવાદઃ શહેરના આંગણે આજથી શરૂ થઇ રહેલા કબડ્ડી વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. કાંકરિયા વિસ્તારમાં સાકાર થયેલા આધુનિકતમ ટ્રાન્સ સ્ટેડિયામાં યોજાઇ રહેલા આ વર્લ્ડ કપમાં વિશ્વની કુલ ૧૨ ટીમો ભાગ લઈ રહી છે. યજમાન ભારત અને સાઉથ કોરિયા વચ્ચેના પ્રથમ મુકાબલા સાથે કબડ્ડી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૭માં વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતીય ટીમ આ વખતે પણ વિજય માટે ફેવરિટ ગણાય છે. વર્લ્ડ કપની પૂર્વસંધ્યાએ તમામ ૧૨ ટીમના કેપ્ટનોએ વિશ્વભરમાં આ રમતને લોકપ્રિય બનાવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વર્લ્ડ કપમાં ભારત ગ્રૂપ-એમાં છે, જેમાં સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના સામેલ છે. ગ્રૂપ-બીમાં મજબૂત ગણાતી ઈરાન સાથે યુએસએ, કેન્યા, જાપાન, થાઈલેન્ડ અને પોલેન્ડની ટીમ છે. લીગ રાઉન્ડમાં તમામ ટીમો પાંચ-પાંચ મેચ રમશે અને બન્ને ગ્રૂપની ટોચની બે ટીમો સેમિ-ફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. બન્ને સેમિ-ફાઇનલ ૨૧મી ઓક્ટોબરે રમાશે. જ્યારે ફાઇનલ ૨૨મી ઓક્ટોબરે યોજાશે.
વર્લ્ડ કપમાં ભારતને સૌથી મોટો ખતરો ઈરાન ટીમ સામે છે, પરંતુ ઈરાનની ટીમ લીગ રાઉન્ડમાં ગ્રૂપ-બીમાં છે, જેના કારણે બન્ને ટીમો ફાઇનલ પહેલાં ટકરાય તેવી શકયતા ઘણી ઓછી છે. આ બન્ને ટીમો લીગ રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવી તેવી શક્યતા છે.

૧૨ ટીમો, બે ગ્રૂપ

ભારતને ગ્રૂપ-એમાં રખાયું છે. જેમાં સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના સામેલ છે. ગ્રૂપ-બીમાં મજબૂત ગણાતી ઇરાન અને યુએસએ, કેન્યા, જાપાન, થાઈલેન્ડ અને પોલેન્ડની ટીમ સામેલ છે.

કબડ્ડી વર્લ્ડ કપ શું છે?

કબડ્ડી વર્લ્ડ કપ બે રીતે રમાય છે. એક સર્કલ કબડ્ડી વર્લ્ડ કપ અને બીજો ઈન્ટરનેશનલ ફોર્મેટ વર્લ્ડ કપ. અમદાવાદમાં વર્લ્ડ કપ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં રમાશે, જેનું આયોજન ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશન દ્વારા કરાય છે. અગાઉ વર્લ્ડ કપનું આયોજન ગત વર્ષે પંજાબમાં થયું હતું, પરંતુ રાજકીય અસ્થિરતાને કારણે તે સ્થગિત કરાયું હતું. હવે આ વખતે અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયામાં યોજાશે અને તેનું જીવંત પ્રસારણ સ્ટાર સ્ટોપ્સ અને હોટ સ્ટાર પર કરવામાં આવનાર છે.
કબડ્ડીના બે મુખ્ય ફોર્મેટ છે. એક ઇન્ટરનેશનલ નિયમો દ્વારા રમાતી કબડ્ડી જે અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં જોવા મળશે. બીજી છે સર્કલ કબડ્ડી જે મોટા ભાગે પંજાબમાં રમાય છે. બન્ને ફોર્મેટની મુખ્ય વિશેષતાઓ એક જેવી જ છે, પરંતુ બંનેના નિયમોમાં અંતર હોય છે. સર્કલ ફોર્મેટને બહાર ગ્રાઉન્ડમાં અથવા માટીમાં રમાય છે.
જ્યારે આંતરરાષ્ટ્રીય નિયમવાળી કબડ્ડીમાં ૧૩ બાય ૧૦ મીટરના સમકોણ કોર્ટનો ઉપયોગ થાય છે. જ્યારે સર્કલ સ્ટાઈલ કબડ્ડી રેત અથવા માટીમાં રમાય છે. તેમાં એક સર્ક્યુલર પીચ હોય છે, જેનું રેડિયસ ૧૧ મીટર હોય છે. બન્ને ફોર્મેટના અલગ અલગ વર્લ્ડ કપ રમાય છે. ઈન્ટરનેશનલ નિયમવાળી કબડ્ડી અમદાવાદમાં રમાનાર છે જ્યારે આગામી નવેમ્બર મહિનામાં પંજાબમાં સર્કલ કબડ્ડી વર્લ્ડ કપનું યોજાયો છે. સર્કલ કબડ્ડી વર્લ્ડ કપ ૨૦૧૦થી દર વર્ષે રમાય છે. એક માત્ર ગત વર્ષે પંજાબની રાજકીય સ્થિતિને ધ્યાને રાખી આયોજન કરાયું નહોતું. સર્કલ સ્ટાઈલ વર્લ્ડ કપમાં પણ ભારત દરેક વખતે ચેમ્પિયન બન્યું છે.

ઇન્ટરનેશનલ ફોર્મેટની સ્ટાઈલ

આ રમત સર્કલ ફોર્મેટથી અલગ છે. જો તમે પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો પણ આ રમતને સારી રીતે સમજી શકો છો. આ રમતમાં બે ટીમો હોય છે. જેમાં ૧૨ ખેલાડી સામેલ હોય છે. તે પૈકી સાત ખેલાડી મેચમાં હોય છે અને બાકીના પાંચ ખેલાડી સબસ્ટીટ્યૂટ હોય છે. આ રમત ૪૦ મિનિટ સુધી રમાય છે, જેમાં ૨૦ મિનિટના પ્રથમ હાફ બાદ પાંચ મિનિટની બ્રેક અપાય છે. હાફ ટાઇમ બાદ સાત ખેલાડીઓને સબ્સ્ટીટ્યૂટ દ્વારા બદલી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter