અમદાવાદઃ શહેરમાં યોજાયેલા કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ઇરાનને ૩૮-૨૯થી પરાજય આપીને ટાઇટલની હેટ્રિક કરી છે. ભારત અને ઇરાન આ પહેલાં ૨૦૦૪ અને ૨૦૦૭માં વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાયા હતા અને બન્ને વખતે ભારતે વિજય સાથે ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં ભારતનો સ્ટાર ખેલાડી અજય ઠાકુર રહ્યો હતો, જેણે ૧૨ રેઇડ પોઇન્ટ મેળવ્યા હતા.
કબડ્ડી વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે એક એક પોઈન્ટ માટે સંઘર્ષ જોવા મળ્યો હતો. જેના કારણે બન્ને પ્રથમ પાંચ મિનિટ બાદ ૩-૩ની બરાબર પર હતાં. મેચની ૧૦મી મિનિટે ઈરાને ૭-૬ની નજીવી લીડ મેલવી હતી. અહીંથી ઈરાને સતત લીડ જાળવી રાખતાં મેચની ૧૫મી મિનિટે ૧૦-૯ની નજીવી લીડ મેળવી હતી. જોકે ત્યારબાદ ઈરાને ભારતને ઓલઆઉટ કરી દેતાં ૧૮-૧૩ની લીડ મેળવી લીધી હતી.
બીજા હાફમાં ભારતે રમત સુધારતાં આઠ મિનિટમાં ૬ પોઈન્ટ બનાવ્યા હતા. જ્યારે ઈરાનની ટીમ એક જ પોઈન્ટ બનાવી શકતાં ભારત ૧૯-૨૦થી એટલે કે માત્ર એક પોઈન્ટ પાછળ હતું. આ પછી ભારતીય ખેલાડીઓએ લય મેળવી લેતાં ૩૦મી મિનિટે લીડ મેળવતાં ૨૧-૨૦થી આગળ થઈ ગયું હતું. છેલ્લી ૧૦ મિનિટ બાકી હતી ત્યારે ભારતે ઈરાનને પ્રથમ વખત ઓલઆઉટ કરી ૨૪-૨૧ની લીડ મેળવી હતી. ભારતે ત્યારબાદ મેચ પર પકડ મજબૂત બનાવી રાખતાં ઈરાનને એક-એક પોઇન્ટ મેળવવા માટે ઝઝૂમવું પડ્યું હતું. મેચ પૂર્ણ થવામાં ત્રણ મિનિટની વાર હતી ત્યારે ભારતે ઇરાનને ફરી ઓલઆઉટ કરી ૩૪-૨૪ની મજબૂત લીડ મેળવી હતી. અંતિમ મિનિટોમાં ઈરાનના કેપ્ટન મૈરાજ શેખે ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે આ મેચ ૩૮-૩૯થી જીતી લઈ ઈન્ટરનેશનલ કબડ્ડી વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતું.
આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ગેરહાજરી અને બાંગ્લાદેશના નબળા પ્રદર્શનના કારણે ઈરાનની ટીમ ટાઇટલની બીજી દાવેદાર ટીમ ગણવામાં આવી રહી હતી અને તેને યોગ્ય સાબિત કરતાં ઈરાન ફાઇલમાં પહોંચી હતી. જોકે ફાઈનલમાં ભારતે ઈરાનને હરાવી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતે ૨૦૧૦માં યોજાયેલી એશિયન ગેમ્સમાં કબડ્ડીની ફાઈનલમાં ઈરાનને પરાજ્ય આપ્યો હતો. આ ઉપરાંત ૨૦૧૪ એશિયન ગેમ્સની ફાઇલમાં પણ ભારતે ઈરાનને ૨૭-૨૫થી પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આમ ફરી ઈરાન સામે ફાઈનલમાં જીત મેળવી કબડ્ડીમાં પોતાની બાદશાહત કાયમ રાખી હતી.
અજય ઠાકુર ઝળક્યો
અજય ઠાકુરે કબડ્ડી વર્લ્ડ કપમાં કુલ ૬૧ રેડ કરી હતી, જે પૈકી ૪૪ રેડ સફળ રહી હતી. આમ તેણે બાવન રેઇડ પોઇન્ટ મેળવ્યા હતા અને તે થાઈલેન્ડના ખોમસાન થોગંખામ બાદ બીજા સ્થાને રહ્યો હતો. મનજિત ચિલ્લરે ૨૨ ટેકલ પોઇન્ટ મેળવ્યા હતા અને તે આ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહ્યો હતો.