બાર્સેલોનાઃ સ્પેનની કોર્ટે આર્જેન્ટિના અને બાર્સેલોનાના ફૂટબોલ સ્ટાર લાયોનેલ મેસી અને તેના પિતા જોર્ગેને આશરે રૂ. ૩૧ કરોડની કરચોરીના કેસમાં દોષિત ઠરાવીને ૨૧-૨૧ મહિનાની (એક વર્ષ, ૯ મહિનાની) જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે મેસીને રૂ. ૧૬ કરોડ જ્યારે તેના પિતા જોર્ગેને રૂ. ૧૨ કરોડનો દંડ પણ કર્યો છે. આમ મેસી પરિવારને કરચોરીના મામલે કુલ રૂ. ૨૮ કરોડથી વધુ રકમ દંડ પેટે ભરવી પડશે.
અલબત્ત, સ્પેનિશ કોર્ટે ફટકારેલી આ સજા આખરી નથી. મેસી અને તેના પિતા આ સજાની સામે સ્પેનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. લાયોનેલ અને તેના પિતા જોર્ગે મેસી પર આરોપ છે કે, તેમણે વર્ષ ૨૦૦૭ થી ૨૦૦૯ સુધી આશરે રૂ. ૩૧ કરોડથી વધુની કરચોરી કરી હતી. આ સમયગાળા દરમિયાન લાયોનેલની ઈમેજથી થયેલી કમાણીની રકમને બ્રિટન, સ્વિત્ઝર્લેન્ડ, ઉરુગ્વે અને બેલીઝ જેવા દેશોમાં આવેલી શેલ કંપની (કાગળ પરની ઉભી કરેલી કંપનીઓ)માં રોકાણ તરીકે બતાવીને કરમાં રાહત મેળવી હતી.
સ્પેનિશ કરવેરા વિભાગે લાયોનેલ અને જોર્ગે મેસી પર એવો આરોપ પણ મૂક્યો હતો કે, બન્નેએ લાયોનેલના ઈમેજ રાઈટ્સથી થયેલી કમાણીને તેની જુદી-જુદી કંપનીઓ સાથેના કરારની રકમ હેઠળ દર્શાવી હતી.
૨૯ વર્ષીય મેસીના આર્થિક વ્યવહારોનો હિસાબ તેના પિતા જ રાખે છે. આ જ કારણે સ્પેનિશ કોર્ટે પિતા-પુત્રને કરચોરીના ત્રણ આરોપોમાં દોષી ઠેરવતા આ સજા ફટકારી હતી. સ્પેનિશ કોર્ટમાં ચાર દિવસથી ચાલી રહેલી સુનાવણી દરમિયાન મેસીએ તો આ આર્થિક વ્યવહારોતી અજાણ હોવાનો દાવો કર્યો હતો.
બચાવ પક્ષના વકીલોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી, મેસીને આ મામલે મુક્તિ આપવી જોઈએ કારણ કે તેના નાણાનો કેવી રીતે વહીવટ થાય છે તેની જાણકારી તેને હોતી જ નથી. જોકે સ્પેનિશ કરવેરા ઓથોરીટી તરફથી હાજર રહેલા એટર્ની મારિયો માઝાએ કહ્યું કે, લાયોનેલ મેસી આ મામલે કંઈ જાણતો જ ન હોય તેવું બની જ ન શકે. વધુમાં આ મામલો જાણી જોઈને આંખ આડા કાન કરવાનો નથી, પરંતુ આ કરચોરી છે. આ બધું તેમણે એટલા માટે જ કર્યું છે, કારણ કે તેઓ કરવેરો ભરવા માંગતા નહોતા.
નોંધપાત્ર છે કે, મેસી અને તેના પિતાએ ઓગસ્ટ, ૨૦૧૩માં સામે ચાલીને આશરે રૂ. ૩૭.૪ કરોડ જેટલી રકમ કથિત રીતે ન ચૂકવાયેલા કર તેમજ તેના પરના વ્યાજ તરીકે ચૂકવી હતી.