સિડની: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયુ સાયમન્ડ્સનું ગયા શનિવારે રાત્રે એક ગમખ્વાર કાર અકસ્માતમાં અકાળે નિધન થયું છે. ઓસ્ટ્રેલિયન પોલીસના જણાવ્યા અનુસાર સાયમન્ડ્સ કારમાં એકલો પ્રવાસ કરતો હતો અને ટાઉન્સવિલે ખાતે તેની કાર રસ્તા ઉપરથી નીચે ઊતરી ગઈ હતી. તેને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હતી અને તબીબો તેને બચાવી શક્યા નહોતા. નોંધનીય છે કે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ તેના મહાન લેગ સ્પિનર શેન વોર્નને ગુમાવ્યો છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર રાત્રે એલિસ રિવરબ્રિજ પાસે હર્વે રેન્જ રોડ ઉપર સાયમન્ડ્સની કાર જઇ રહી હતી ત્યારે બેકાબૂ થઇ જતાં અકસ્માત સર્જાયો હતો. ઈમરજન્સી સેવાએ 46 વર્ષીય ક્રિકેટરને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા. ફોરેન્સિક ક્રેશ યુનિટ અકસ્માતની તપાસ કરી રહ્યું છે.
વિવાદો સાથે અતૂટ નાતો
શાનદાર બોલર અને બેટ્સમેન્ હોવા ઉપરાંત ચુસ્ત ફિલ્ડર તરીકે ખ્યાતિ મેળવનાર સાયમન્ડ્સને કારકિર્દી દરમિયાન વિવાદો સાથે ગાઢ નાતો રહ્યો છે. 2008માં ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સાથેનો ‘મંકીગેટ’ વિવાદ ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. પોતાને વાંદરો (મંકી) કહ્યો હોવાનો સાયમન્ડ્સે હરભજન સામે આક્ષેપ કર્યો હતો. તો આ જ વર્ષે એક બિયર બારમાં એક સમર્થક સાથે મારામારી કરવાના મામલે પણ તે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 2008માં ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશના પ્રવાસે હતી ત્યારે ટીમ મિટીંગમાં હાજરી આપવાના બદલે સાયમન્ડ્સ દરિયાકિનારે ફિશિંગ કરવા જતો રહ્યો હતો અને તેને ભારતના પ્રવાસમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. 2009માં તેણે ન્યૂઝીલેન્ડના ખેલાડી બ્રેન્ડન મેક્કલુમ સામે ટીવી ઉપર અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેણે એવું પણ કહ્યું હતું કે તે સાથી ખેલાડી હેડનની પત્નીને જોવા માટે જ હેડનના ઘરે જાય છે. વિવાદ વકરતા ઓસ્ટ્રેલિયન બોર્ડે તેને દંડ ફટકાર્યો હતો અને માનસિક રોગના તબીબ પાસે ઇલાજ કરાવવા સલાહ આપી હતી. 2009માં ઇંગ્લેન્ડના પ્રવાસમાં નશામાં ચકચૂર થઇને સાયમન્ડ્સ એક ચેરિટી શોમાં પણ પહોંચી ગયો હતો અને તેને તાત્કાલિક વતન પરત મોકલી અપાયો હતો.
ઇંગ્લેન્ડમાં જન્મ, માતા-પિતાને ક્યારેય મળ્યો નથી
ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ, 198 વન-ડે તથા 14 ટ્વેન્ટી20 મેચ રમી ચૂકેલા સાયમન્ડસનો 1975ની નવમી જૂને ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે જન્મ થયો હતો. તે પોતાના મૂળ માતાપિતાને ક્યારેય મળ્યો નહોતો. તેના જૈવિક માતાપિતામાંથી એક આફ્રો-એશિયન તથા બીજા ડેનિસ અથવા સ્વીડિશ મૂળના હોવાનું માનવામાં આવે છે. જન્મ થયા બાદ તેને એડોપ્ટ કરનાર લેનાર વ્યક્તિને આપી દેવામાં આવ્યો હતો. કેન અને બાર્બરાએ ત્રણ મહિનાની વયે જ તેને દત્તક લીધો હતો.