વિયેનાઃ કેન્યાના દોડવીર ઈલિયુદ કિપચોગેએ એથ્લેટિક્સમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ૨ કલાકથી ઓછા સમયમાં દોડ પૂરી કરનાર દુનિયાનો સૌથી પહેલો રનર બન્યો છે. ૩૪ વર્ષના કિપચોગેએ ૪૨.૨ કિલોમીટરનું અંતર એક કલાક ૫૯ મિનિટ અને ૪૦ સેકન્ડમાં પૂરું કર્યું હતું. આ સાથે જ તેણે મેરેથોનની દુનિયાનું સૌથી મોટું બેરિયર તોડી નાંખ્યું છે.
કિપચોગેએ સરેરાશ દર ૨.૫ મિનિટે એક કિલોમીટરનું અંતર કાપ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો તેણે ૧૭.૦૮ સેકન્ડમાં ૧૦૦ મીટરનું અંતર કાપ્યું હતું. આવું ૪૨૨ વખત કર્યું ત્યારે મેરેથોન પૂરી કરી હતી. મેરેથોનનો સત્તાવાર રેકોર્ડ (૨ કલાક ૧ મિનિટ ૩૯ સેકન્ડ) પણ તેના નામે જ નોંધાયેલો છે.
રેસ પૂર્ણ થયા બાદ કિપચોગેએ કહ્યું હતું કે હું લોકોને પ્રેરિત કરવા માગું છું કે કોઇ પણ મનુષ્ય મર્યાદિત નથી. આ મેરેથોનનું આયોજન બ્રિટિશ કંપનીએ કર્યું હતું. વિક્રમ સર્જયા બાદ કિપચોગે તેની પત્નીને ભેટી પડ્યો હતો. કેન્યાનો ધ્વજ હાથમાં લીધો, ત્યારે ફેન્સ તેમને ઘેરી વળ્યા હતા. ચાર - ચાર વાર લંડન મેરેથોન જીતી ચૂકેલ કિપચોગે ૨૦૧૭માં માત્ર ૨૫ સેકન્ડ્સના અંતરથી બે કલાકની સમયસીમા ચૂકી ગયો હતો.
છતાં સત્તાવાર રેકોર્ડ નહીં!
જોકે ઓલિમ્પિક મેરેથોન ચેમ્પિયન કિપચોગેનો આ વિક્રમ સત્તાવાર ગણાશે નહીં કારણ કે તે ઓપન ઇવેન્ટ નહોતી. આ દોડમાં કિપચોગે એકલો જ ઉતર્યો હતો. આ ઉપરાંત ૧ કલાક ૫૯ મિનિટમાં મેરેથોન પૂર્ણ કરવાનો ટાર્ગેટ કિપચોગે પોતાને જ આપ્યો હતો. તે ઇનિયોસ ૧.૫૯ ચેલેન્જ હેઠળ બે કલાક કરતાં ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરવા ઉતર્યો હતો. બીજું કારણ એ પણ છે કે કિપચોગેએ આ રેકોર્ડ માટે અમુક સુવિધાઓ પણ લીધી હતી. જેમ કે, પેસમેકર, લેસર ગાઇડિંગ વેન વગેરે. આ મદદ લેવી અયોગ્ય નથી, પરંતુ જો કોઈ વર્લ્ડ રેકોર્ડ માટે મદદ લે તો તેને ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ માનવામાં આવતો નથી.
૪૧ પેસમેકર્સની ટીમ સાથે હતી
કિપચોગેની સાથે ૪૧ પેસમેકર્સની ટીમ હતી, જેમાં ૧૫ હજાર મીટર ઓલિમ્પિક ચેમ્પિયન મૈથ્યૂ સેંટ્રોવિટ્ઝ, ૫૦૦૦ મીટર ઓલમ્પિક સિલ્વર મેડલિસ્ટ પા ચેલિમો અને ઈંગેબ્રિંગટ્સન બંધુ જેકબ, ફિલીપ અને હેનરિક પણ સામેલ હતા. આ રન દરમિયાન કિપચોગેની સાથે તેના કોચ બાઈક પર તેના માટે પાણી અને એનર્જી જેલ્સ લઇને સાથે રહ્યાં હતા, જેથી કિપચોગેને રિફ્રેશમેન્ટ લેવા માટે ટેબલ સુધી જવાની જરૂર ન રહે.
છેલ્લા સમયમાં જ્યારે કિપચોગે પોતાની દોડ રેકોર્ડ સમયમાં પૂરી કરવાનો હતો, ત્યારે પેસમેકર્સ પાછળ હટી ગયા હતા. જેથી કિપચોગે પોતાની લાઈન પર એકલા જ દોડ પૂરી કરી શકે. આ દરમિયાન બંને તરફ ઓસ્ટ્રેલિયાના નાગરિકો તેમનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
કિપચોગેના નામે રેકોર્ડ
પાંચમી નવેમ્બર ૧૯૮૪ના રોજ કેન્યાના કિપસિસિયવામાં જન્મેલા કિપચોગેએ ૨૦૦૨માં ડબ્લિનમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર કેન્યાઈ ટીમનો સદસ્ય હતો. આ પછી ક્યારેય તેણે પાછું વળીને જોયું નથી. કિપચોગેએ પેરિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ૫૦૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ, ૨૦૦૪માં એથેન્સ ઓલમ્પિકમાં કાંસ્ય, ઓસાકામાં યોજાયેલ ૨૦૦૭ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર, ૨૦૦૮ના બૈજિંગ ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને એક પછી એક સિદ્ધિ પોતાના નામે નોંધાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી લીધી હતી.
ત્યારબાદ કિપચોગેએ ૨૦૧૫ અને ૨૦૧૬ એમ સતત બે વાર લંડન મેરેથોન જીતી હતી. તે સમયે તે દુનિયાના બીજા નંબરનો સૌથી ફાસ્ટ રનર બન્યો હતો. ૨૦૧૬માં જ તેણે રિયો ઓલમ્પિકમાં બે કલાક આઠ મિનિટ ૪૪ સેકન્ડમાં દોડ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પછી ૨૦૧૯માં કિપચોગેએ પોતાની ચોથી લંડન મેરેથોનમાં બે કલાક બે મિનિટ અને ૩૭ સેકન્ડમાં નિયત અંતર કાપ્યું હતું. આ મેરેથોન ઈતિહાસની બીજી સૌથી ફાસ્ટ મેરેથોન તરીકે નોંધાઈ હતી.
પેકમેકર અને લેસર ગાઇડિંગ વેન શું છે?
કિપચોગેએ મેરેથોન દરમિયાન પેસમેકર અને લેસર ગાઇડિંગ વેનની મદદ લીધી હતી. આનો ઉપયોગ સમજવા જેવો છે. રનરની સાથે સાથે એક સમયમાં ત્રણથી પાંચ પેસમેકર દોડતા હોય છે. જે રનરની આસપાસ એરોડાયનેમિક્સ મોડેલ બનાવતા હોય છે. એનો અર્થ એમ છે કે તેઓ રનરની આગળ-પાછળ દોડતા રહે છે, તેઓ સામેથી આવતી હવાને કાપે છે, જેથી રનરને પવનની વિરુદ્ધ દિશામાં વધુ તાકાત સાથે ના દોડવું પડે. કિપચોગેએ ૪૧ પેકમેકરની મદદ લીધી હતી. પેસમેકરના કારણે રનર પોતાની સ્પિડ નક્કી કરતો હોય છે, જેથી નિર્ધારિત સમયમાં રેસ પૂર્ણ કરી શકે.
આ જ રીતે રનર અને પેસમેકર્સ આગળ એક વેન ચાલતી હોય છે. વેન ટ્રેક પર એક ખાસ ભાગ પર બીમ ફેંકતી રહે છે. રનરે તેની પર દોડવાનું રહે છે. ટ્રેક પર તમામ રિસર્ચ કર્યા બાદ બીમ માટેનો ભાગ નક્કી કરાતો હોય છે. આ બીમ જે ભાગ પસંદ કરે છે તે ટ્રેકનો સૌથી સ્મૂધ ભાગ હોય છે, જેની પર દોડતા રહેવાના કારણે રનરને થાક ઓછો લાગે છે.