ઓકલેન્ડઃ વર્લ્ડ કપની ફાઈનલમાં બાઉન્ડ્રીની ગણતરીના આધારે ન્યૂઝીલેન્ડ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીતવાથી વંચિત રહી ગયું છે. આ પછી ન્યૂઝીલેન્ડ મીડિયાએ સર્વાધિક બાઉન્ડ્રીના નિયમને નિશાન બનાવીને આઈસીસીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ન્યૂઝીલેન્ડના મીડિયાએ ‘૨૨ હીરો સાથે વર્લ્ડ કપની ફાઈનલ. વિનર કોઈ નહીં’ના હેડિંગ સાથે આર્ટિકલ છાપ્યા છે.
મીડિયાનું માનવું છે કે બાઉન્ડ્રીના નિયમ દ્વારા કિવિ ટીમને છેતરવામાં આવી છે. નિર્ધારિત ઓવરમાં બંને ટીમનો સ્કોર સરભર રહ્યા બાદ સુપર ઓવર પણ ટાઈ થતાં યજમાન ઇંગ્લેન્ડને વધારે બાઉન્ડ્રી ફટકારી હોવાના આધારે વર્લ્ડ કપ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડે તેની ઇનિંગ દરમિયાન ૨૬ તો ન્યૂઝીલેન્ડે ૧૭ બાઉન્ડ્રી ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડના મીડિયાનું માનવું છે કે ‘બ્લેક કેપ’ને ઠગવામાં આવી છે. ટોચના અખબાર ‘ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ’ ઓવર થ્રોમાં ઇંગ્લેન્ડને છ રન નહીં, પરંતુ પાંચ રન મળવાની જરૂર હતી તેવું લખીને અમ્પાયર્સને ઝાટક્યા હતા.
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કોચ માઇક હસને જણાવ્યું હતું કે વર્લ્ડ કપ ફાઈનલનો નિર્ણય સુપર ઓવરના આધારે કરવો ન જોઈએ. બન્ને ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન અને કેન વિલિયમ્સન બંને પોતાના હાથમાં ટ્રોફી ઉઠાવવા માટેના હકદાર હતા. આ બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી. નોકઆઉટ તબક્કામાં વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવાનો વિકલ્પ સારો છે, પરંતુ ફાઈનલમાં તો નહીં જ.