કિવિની સ્થિતિ સારી પણ ભારત પડકાર માટે તૈયારઃ પૂજારા

Wednesday 16th June 2021 07:06 EDT
 
 

સાઉધમ્પટનઃ ટીમ ઇંડિયાના ‘ધ વોલ’ ચેતેશ્વર પૂજારાનું કહેવું છે કે ઇંગ્લેન્ડ સામે તેની જ ધરતી પર ટેસ્ટ સિરિઝ જીત્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં પણ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ ભારતીય ટીમ પડકાર માટે સંપૂર્ણ તૈયાર છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ૧૮ જૂનથી શરૂ થઇ રહી છે.
ક્વોરેન્ટાઇન સમય પુરો કર્યા બાદ ભારતીય ટીમ અહીં બે ટીમ બનાવીને મેચ રમી તૈયારી કરી રહી છે. જ્યારે ન્યુઝીલેન્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલાં ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર બે ટેસ્ટની શ્રેણી ૧-૦થી હરાવીને સારી તૈયારી કરી લીધી છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો છેલ્લે તેમણે આઇપીએલમાં મેચ રમી હતી. આ પછી તેઓ મેદાનથી દૂર રહ્યા છે. કોરોના વાઇરસના કેસ ભારતમાં વધતા લીગને અધવચ્ચેથી સ્થગિત કરી દેવી પડી હતી.
પૂજારાએ બીસીસીઆઇ ટીવીમાં કહ્યું કે, ફાઇનલ પહેલા બે ટેસ્ટ મેચ રમવાથી ન્યુઝીલેન્ડ ખરેખર ફાયદાની સ્થિતિમાં છે, પણ જ્યારે વાત ફાઇનલની આવે છે ત્યારે અમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમને ખ્યાલ છે કે અમારી ટીમ સારું પ્રદર્શન કરશે અને ચેમ્પિયનશિપ જીતવાની ક્ષમતા ધરાવે છે.
તેણે વધુમાં કહ્યું કે, ‘અમને જે ૧૦-૧૨ દિવસનો સમય મળ્યો છે તેનો અમે સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. અમે ઉપલબ્ધ સુવિધાનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો અમે આ દિવસોને સારી રીતે ઉપયોગ કરી શકીશું તો મને લાગે છે કે અમારી ટીમ ફાઇનલમાં પડકાર માટે તૈયાર રહેશે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter