બર્લિનઃ ઇંગ્લેન્ડના ટોચના સ્નૂકર ખેલાડી એલિસ્ટર અલી કાર્ટરે કેન્સરની સફળ સારવાર બાદ વિજય સાથે પુનરાગમન કર્યું છે. કાર્ટલે પહેલી જ ટૂર્નામેન્ટમાં પ્રોફેશનલ ટાઇટલ કબ્જે કર્યું છે.
સોમવારે રમાયેલી પોલ હંટર ક્લાસિક સ્નૂકર ટૂર્નામેન્ટની ફાઇનલમાં અલી કાર્ટરે શોન મેપીને ૪-૩થી પરાજય આપ્યો હતો. ૩૬ વર્ષના અલીએ ૩-૩ની બરાબરી બાદ ફાઇનલ રાઉન્ડમાં ૯૫નો બ્રેક લગાવ્યો હતો. ટૂર્નામેન્ટ જર્મનીના પોલ હંટરના નામે રમાય છે. જેનું ૨૦૦૬માં કેન્સરના કારણે નિધન થયું હતું.
ઉલ્લેખનીય છે કે અલીએ જુલાઈ ૨૦૧૩માં કેન્સરનું નિદાન થયા બાદ સફળ ઈલાજ કરાવ્યો હતો. આ પછી એપ્રિલ ૨૦૧૪માં તે ફેફસાના કેન્સરનો ભોગ બન્યો. તેણે ડિસેમ્બર ૨૦૧૪માં સર્જરી કરાવી અને હવે તે રમતના મેદાનમાં પાછો ફર્યો છે.