કેપટાઉનઃ એબી ડી’વિલિયર્સે રમેલી કેપ્ટન ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકાએ પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને શ્રેણી ૩-૨થી જીતી લીધી હતી. મેન ઓફ ધ મેચ ડી’વિલિયર્સે ૯૭ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિકસર વડે અણનમ ૧૦૧ રન કર્યા હતા. જ્યારે અમલાએ ૫૯ રન કર્યા હતા. ઇંગ્લેન્ડનો એલેક્સ હાલેસ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
કેપટાઉનમાં રવિવારે રમાયેલી મેચમાં હાલેસે ૧૨૮ બોલમાં આક્રમક ૧૧૨ રન કર્યા હોવા છતાં ઇંગ્લેન્ડનો દાવ ૪૫ ઓવરમાં ૨૩૬ રને સમેટાયો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર સાઉથ આફ્રિકન ટીમે ૪૪ ઓવરમાં પાંચ વિકેટે ૨૩૭ રન કરીને વિજય મેળવ્યો હતો.
ચોથી વન-ડે
ક્રિસ મોરિસના ૩૮ બોલમાં ૬૨ રનની મદદથી રોમાંચક બનેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને એક વિકેટે પરાજય આપીને પાંચ મેચની વન-ડે શ્રેણી ૨-૨થી સરભર કરી હતી. ૧૨ ફેબ્રુઆરીએ જોહાનિસબર્ગમાં રમાયેલી ચોથી વન-ડેમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં જોઈ રુટની સદીની મદદથી ૨૬૨ રન કર્યા હતા. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ ૪૭.૨ ઓવરમાં નવ વિકેટે ૨૬૬ રન કરીને મેચ જીતી લીધી હતી. મોરિસે ૬૨ રનની ઇનિંગ્સમાં ૩ બાઉન્ડ્રી તથા ૪ સિક્સર ફટકારી હતી.